Site icon Revoi.in

જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં આતંકી હુમલો, સીઆરપીએફ કેમ્પ પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો

Social Share

જમ્મુ-કાશ્મીરના ત્રાલમાં શુક્રવારે બપોરે આતંકી હુમલો થયો છે. અહીં સીઆરપીએફ કેમ્પ પર ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો છે. જે સ્થાન પર આ હુમલો થયો છે, ત્યાં સીઆરપીએફની 180મી બટાલિયનની છાવણી છે.

જણાવવામાં આવે છે કે કેમ્પની આસપાસ પણ આતંકવાદીઓ હાજર છે. એ કારણ છે કે સુરક્ષાદળ સતત ફાયરિંગ કરી રહ્યું છે. બંને તરફથી ફાયરિંગ ચાલી રહ્યું છે.

મહત્વપૂર્ણ છે કે આના પહેલા આ વર્ષે 14મી ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરમાં મોટા આતંકવાદી હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે પણ સીઆરપીએફના કાફલાને નિશાન બનાવવામાં આવ્યો હતો અને તેમા સુરક્ષાદળના 44 સૈનિકો શહીદ થયા હતા.

આ હુમલા બાદ કાશ્મીર ખીણમાં પરિસ્થિતિ વણસી હતી અને ભારત તથા પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ હતી. મહત્વપૂર્ણ છે કે કેટલાક દિવસોમાં જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો દ્વારા સતત આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ચલાવાઈ રહ્યા છે. સતત સુરક્ષાદળો આતંકવાદીઓને વીણીવીણીને મોતને ઘાટ ઉતારી રહ્યા છે.

શુક્રવારે જ જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. આ અથડામણમાં સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા, જ્યારે બે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા. શુક્રવારે થયેલી અથડામણ પહેલા સુરક્ષાદળોને આતંકવાદીઓના છૂપાયેલા હોવાની જાણકારી મળી હતી. ત્યારે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.