અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે લોકોની આર્થિક સ્થિતિ બગડી છે. ત્યારે માછીમારીને જીવન નિર્વાહ કરતા માછીમારોની બોટો લગભગ 3 મહિના સુધી બંધ રહેતા તેમની મુશ્કેલીમાં વધારો થયો છે. કોરોનાને પગલે રાજ્યમાં 22 હજાર માછીમારોને અંદાજે 66 કરોડનું નુકસાન થયાનો અંદાજ છે. તેમજ હાલમાં માછીમારી વ્યવસાયમાં અંદાજે 35 ટકાનો ઘટાડો થયો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કોરોના મહામારીને પગલે માર્ચ મહિનામાં લોકડાઉન આપવામાં આવ્યું હતું. લોકડાઉનના કારણે વેપાર-ધંધા પણ બંધ રહ્યાં હતા. તેમજ દરિયામાં માછીમારી કરવા ગયેલા માછીમારોને પણ પરત બોલવામાં આવ્યાં હતા. કોરોના કહેરના કારણે 2થી 3 મહિના સુધી બોટ બંધ રહી હતી. જેથી રાજ્યના 22 હજાર માછીમારોને અંદાજે રૂ.66 કરોડનું નુક્સાન થયું હોવાનો અંદાજ છે.
દરમિયાન વેરાવળ બોટ ઓનર્સ એસો. તથા ખારવા સંયુક્ત માછીમાર બોટ એસો. દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને માછીમારોની આજીવિકા બહેરત બનાવવા અપીલ કરી છે. તેમજ મત્સ્યપાલન ક્ષેત્રના આધુનિકરણ અને વૃદ્ધિને વેગ આપવાની સાથે ઉત્પાદકતા વધારવા, વૈશ્વિક સ્તરની સ્પર્ધાત્મકતા ઊભી કરવા, દરિયામાં માછીમારોની સલામતી સુનિશ્ચિત કરવા વિનંતી કરી છે. બોટમાં દિશા સુચક સાધનો, સંપર્ક માટે જીપીએસ ફિશ ફાઇન્ડર, વાયરલેસ અને કોર્ડલેસ ફોન સસ્તામાં અને સબસિડી સાથે આપવા માંગણી કરવામાં આવી છે.