Site icon Revoi.in

ગુજરાતમાં કોરોનાનો ભરડોઃ પોઝિટિવ કેસનો આંકડો 55 હજારને પાર

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. અનલોકના અમલ બાદ વેપાર-ધંધા શરૂ થયા પછી કોરોનાનું સંક્રમણ વધ્યું છે. શહેરી વિસ્તારો ઉપર હવે ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો 55822 ઉપર પહોંચ્યો છે. જો કે, રાહતની વાત એ છે કે, ત્યાર સુધીમાં 40365 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યમાં 24 કલાકમાં રેકોર્ડબ્રેક 1110 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. જ્યારે 21 દર્દીઓના મોત થયાં હતા. આમ રાજ્યમાં કોરોના મહામારીમાં 2326 દર્દીઓના મોત થયાં છે. સરકાર દ્વારા પોઝિટિવ કેસને શોધી કાઢવા માટે ટેસ્ટીંગની કામગીરી વધુ તેજ બનાવવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 6.42 લાખ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે. તેમજ હાલની સ્થિતિએ 13131 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. જે પૈકી 85 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે. જ્યારે 13046 દર્દીઓની હાલત સ્થિર છે.

ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. જો કે, મહાનગરપાલિકા દ્વારા પોઝિટિવ કેસ શોધી કાઢવા અને સંક્રમણ વધારે ન ફેલાય તે માટે એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે શહેરમાં સઘન રેપિડ ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યું છે. તેમજ હાલ શહેરમાં 200થી વધારે માઈક્રો કેન્ટેઈનમેન્ટ ઝોન આવેલા છે. બીજી તરફ સુરતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. તેમજ પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે કવાયત તેજ બનાવવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યના શહેરી વિસ્તારોમાં પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે અમદાવાદની જેમ રેપિડ ટેસ્ટ શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.