પશ્ચિમ બંગાળમાં જય શ્રીરામના નારાઓના વિવાદ પર બોલિવુડ ફિલ્મ પ્રોડ્યુસર અને પદ્મશ્રીથી સન્માનિત અપર્ણા સેને કહ્યું કે ભાજપ કાર્યકર્તાઓના જય શ્રીરામના નારાઓનો જવાબ આપીનેં મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતે જ પોતાની કબર ખોદી રહ્યા છે. જ્યારે મમતાના ભત્રીજા અભિષેક બેનર્જીએ કહ્યું કે બંગાળમાં હવે રામની ટીઆરપી નીચે ઉતરી ચૂકી છે. ગત દિવસોમાં નારેબાજી પછી મુખ્યમંત્રીએ રસ્તા વચ્ચે લોકોને ઠપકો આપ્યો હતો.
અપર્ણાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું, ‘મને આ બિલકુલ પસંદ નથી. ધર્મ અને રાજકારણ બંને અલગ-અલગ હોવા જોઈએ. રાજકારણ સાથે ધર્મને ભેગો કરવાથી સમસ્યાઓ થાય છે. રાજકારણમાં જય શ્રીરામ, અલ્લાહ હૂ અકબર અને જય મા કાલી જેવા નારાઓ પર રોક લગાવી દેવી જોઈએ.’
ડાયમંડ હાર્બરથી તૃણમૂલના સાંસદ અભિષેક બેનર્જીએ કહ્યું કે બંગાળમાં હવે ભાજપે જય શ્રીરામની જગ્યાએ હવે જય મહાકાલી બોલવાનું શરૂ કરી દીધું છે. લાગે છે કે ટીવીના રેટિંગની જેમ જય શ્રીરામની ટીઆરપી પણ ઓછી થઈ ગઈ છે. ભાજપના લોકો રાજકારણમાં ધર્મને ભેગો કરી રહ્યા છે.
જ્યારે ભાજપના મહાસચિવ અને બંગાળના ઇન્ચાર્જ કૈલાશ વિજયવર્ગીયે મમતા સરકાર પડવાની વાત કરી. કૈલાશે કહ્યું, ‘હું નથી માનતો કે મમતાજી 2021 (વિધાનસભા ચૂંટણી) સુધી પહોંચી શકશે, કારણકે તેઓ અપરિપક્વ લોકોની જેમ બોલે છે. અમે તો 2021 માટે તૈયારી કરી રહ્યા છીએ, પરંતુ તેના પહેલા મમતા સરકાર પોતે જ પડી જશે.’

