અમદાવાદઃ પાકિસ્તાન સહિતના પડોશી દેશો ભારતને પરેશાન કરવા માટે નવા-નવા તુક્કા લગાવી રહ્યાં છે. નેપાળ દ્વારા તાજેતરમાં જ ભારતના કેટલાક વિસ્તારને નકશામાં સામેલ કરતા વિવાદ ઉભો થયો હતો. ત્યારે હવે પાકિસ્તાને પણ નેપાળના માર્ગે ચાલીને નવો નકશો જાહેર કર્યો છે, જેમાં ગુજરાતનું જૂનાગઢ અને જમ્મુ-કાશ્મીરના સિયાચીન વિસ્તારનો ઉલ્લેખ કરીને બંને પાકિસ્તાનનો ભાગ હોવાનો દાવો કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સીમાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. તેમજ ભારતમાં ભાંગફોડની પ્રવૃતિ માટે પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિઓને પ્રોત્સાહન પુરૂ પાડી રહ્યું છે. દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને એક બેઠકમાં નવો નક્શો જાહેર કર્યો હતો. જેમાં લદ્દાખ, જમ્મુ-કાશ્મીરના સિયાચીન સહિત ગુજરાતના જુનાગઢ પણ પોતાનો ભાગ હોવાનો દાવો કર્યો છે. આ મુદ્દે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને આડેહાથ લીધા હતા.
This action of Pakistan is both preposterous and obnoxious. Gujarat condemns this absurd act of Pakistan unequivocally.#condemnpakistan
— Vijay Rupani (@vijayrupanibjp) August 4, 2020
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી ટ્વિટ કરીને કહ્યું કે, વડાપ્રધાન ઈમરાન ખાન દ્વારા જાહેર પાકિસ્તાનનો કથિત રાજનીતિક માનચિત્ર એ વાતનું ઉદાહરણ છે કે, પાકિસ્તાનના પીએમ જમીની હકીકતને લઈને બહુ જ નિરાશ છે. પાકિસ્તાન ક્યારેય ભારતની એકતા અને અખંડતતાને નબળુ કરવાના પોતાના દુષ્ટ હેતુમાં સફળ નહિ થાય. ગુજરાત પાકિસ્તાનની આ હરકતની નિંદા કરે છે. દરમિયાન માણાવદના ધારાસભ્ય જવાહર ચાવડા જણાવ્યું હતું કે, જૂનાગઢ,માણાવદર હિન્દુસ્તાનના વિસ્તારમાં આવે છે. આ હિન્દુસ્તાન જ છે. પાકિસ્તાન પાસે બીજી કોઈ પ્રવૃત્તિ નહિ હોવાથી આવી પ્રવૃત્તિ કરે છે. 1947થી અત્યાર સુધી આ વિસ્તારમાં ફક્ત ભારત અને હિન્દુસ્તાનનું રાજ રહ્યું છે.