Site icon Revoi.in

હવે ભાવનગરમાં બહારથી આવતા તમામ લોકોનું મેડિકલ ચેકીંગ શરૂ કરાયું

Social Share

અમદાવાદઃ સુરત અને અમદાવાદમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. સુરતમાં હિરાના કારખાના અને ટેક્સટાઈલ્સ ઉદ્યોગ હજુ પુરા ખુલ્યાં નહીં હોવાથી લોકો પોતાના વતન જઈ રહ્યાં છે. અમદાવાદમાં અનેક એકમો હજુ શરૂ થયાં નથી. રોજગારીની શોધમાં અમદાવાદ અને સુરત ગયેલા લોકો ભાવનગર પરત ફર્યાં છે. તેમજ હજુ પણ લોકો પરત વતન આવી રહ્યાં છે. જેથી ભાવનગરમાં પણ કોરોનાનું સંક્રમણ વધારે ફેલાવવાનો લોકોમાં ડર સતાવી રહ્યો છે. ભાવનગર જિલ્લામાં કોરોનાનો ચેપ ન ફેલાય તે માટે ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. તેમજ બહારથી આવતા તમામ લોકોનું અહીં મેડિકલ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

ગુજરાતમાં અનલોકમાં વેપાર-ધંધા શરૂ થયાં હતા. વેપાર-ધંધા શરૂ થતાની સાથે જ કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. તેમાંય છેલ્લા કેટલાક દિવસોથી સુરતમાં કોરોના વાયરસના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. જેથી ભાવનગરથી રોજગારીની શોધમાં ગયેલા લોકોમાં ફફડાટ ફેલાયો છે. સુરતમાં હિરાના કારખાના અને ટેક્સટાઈલ્સ માર્કેટ બંધ હોવાથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.

રોજગારી નહીં મળતી હોવાથી હવે સુરતમાં વસવાટ કરતા ભાવનગરવાસીઓ પરત પોતાના વતન તરફ આવી રહ્યાં છે. જેથી હવે ભાવનગરમાં કોરોનાનું સંક્રમણ ફેલાવવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. જેથી ભાવનગરના પ્રવેશ માર્ગ ઉપર ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી છે. તેમજ અમદાવાદ અને સુરત તરફથી આવતા લોકોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. ચેકપોસ્ટ ઉપર અંદાજે વિવિધ વાહનોમાં આવતા 500થી વધારે લોકોનું ચેકિંગ કરવામાં આવે છે.તપાસમાં કોઈ કોરોના પોઝિટિવ દર્દી મળી આવે તો તેને સારવાર અર્થે હોસ્પિટલ મોકલી આપવામાં આવે છે.

ભાવનગરમાં હાલ સુરત અને અમદાવાદ સહિતના શહેરોમાંથી લગભગ એક લાખ લોકો પરત આવ્યાં હોવાનું જાણવા મળે છે. જેથી તંત્ર દ્વારા આવા લોકોને ટ્રેક કરવામાં આવ્યાં છે. તેમજ તેમને 14 દિવસ આઈસોલેશનમાં રાખવામાં આવી રહ્યાં છે.