પ. બંગાળમાં ચાલી રહેલી ડોક્ટરોની હડતાળ વચ્ચે કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને એડવાઈઝરી જાહેર કરતા તાત્કાલિક એક રિપોર્ટ તલબ કર્યો છે. કેન્દ્રની એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે ડોક્ટરોની હડતાળની અસર આખા દેશમાં પડી છે અને પશ્ચિમ બંગાળ સિવાય અન્ય રાજ્યોના ડોક્ટરો પણ આમા સામેલ થઈ ગયા છે.
ગૃહ મંત્રાલયે એડવાઈઝરીમાં લખ્યું છે કે મંત્રાલયે ડોક્ટરો,આરોગ્ય વિશેષજ્ઞો અને મેડિકલ સંગઠનોના પ્રતિનિધિઓ સાથે મુલાકાત કરી છે. આ લોકો દેશના અલગ-અલગ વિસ્તારોમાંથી આવ્યા હતા અને પોતાની સુરક્ષાને લઈને ચિંતિત હતા. પશ્ચિમ બંગાળ સરકારને એ બાબતની અપીલ કરવામાં આવે છે કે હડતાળ પર એક વિગતવાર રિપોર્ટ ઝડપથી મોકલવામાં આવે. મહત્વપૂર્ણ છે કે કેન્દ્ર સરકાર તરફથી પ.બંગાળ સરકારે એક સપ્તાહની અંદર જ બીજી એડવાઈઝરી છે. આના પહેલા નવમી જૂને રાજ્યમાં ચાલી રહેલી રાજકીય હિંસા પર કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળ સરકારને પહેલી એડવાઈઝરી જાહેર કરી હતી.
મહત્વપૂર્ણ છે કે પશ્ચિમ બંગાળમાં સાથી તબીબો પર હુમલાની વિરુદ્ધ અને સુરક્ષાની માગણીને લઈને જૂનિયર ડોક્ટરોની હડતાળ સતત પાંચમા દિવસે શનિવારે પણ ચાલુ છે. હડતાળના કારણે રાજ્યની સરકારી હોસ્પિટલોમાં આરોગ્ય સેવાઓ ખોરવાઈ ગઈ છે.
હડતાળી ડોક્ટરોએ પ.બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી તરફથી શુક્રવારે રાત્રે આવેલા વાતચીતના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. મમતા બેનર્જીએ તબીબોને નબન્ના ખાતે રાજ્ય સચિવાલયમં વાતચીત માટે બોલાવ્યા હતા. ન્યૂઝ એજન્સી આઈએએનએસ પ્રમાણે, ડોક્ટર પોતાની માગણી પર અડગ છે કે સીએમ મમતા બેનર્જી ડોક્ટરોની ફરિયાદ સાંભળવા માટે આંદોલન સ્થળ એનઆરએસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ આવે અને તેમના ઉપર ખોટા આરોપ લગાવવા માટે માફી માંગે.
પશ્ચિમ બંગાળ ડોક્ટર્સ ફોરમના અધ્યક્ષ અર્જુન સેનગુપ્તાએ આઈએએનએસને કહ્યુ છે કે જૂનિયર ડોક્ટરોએ હડતાળ હજી પણ ચાલુ રાખી છે. જો કે ગંભીરપણે બીમાર દર્દીઓના ઈલાજ માટે ઈમરજન્સી સેવાઓનું સંચાલન થઈ રહ્યું છે. રાજ્ય સરકાર સાથે કોઈ બેઠકના સંદર્ભે હાલ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
એક અન્ય ઘટનાક્રમમાં કેન્દ્ર સરકારે પ. બંગાળમાં ચાલી રહેલી રાજકીય હિંસાની વચ્ચે મમતા બેનર્જી સરકારનો રિપોર્ટ માંગીને સવાલ કર્યો છે કે આ ઘટનાઓને રોકવા માટે રાજ્ય સરકારે ક્યાં પગલા ઉઠાવ્યા છે. કેન્દ્ર સરકારે પ. બંગાળની સરકાર પાસેથી રિપોર્ટ તલબ કરતા સવાલ કર્યો છે કે રાજકીય હત્યાના દોષિતોને કાયદા પ્રમાણે સજા આપવા ક્યાં પગલા ઉઠાવવામાં આવ્યા છે? પ. બંગાળમાં શનિવારે પણ ટીએમસીના ત્રણ કાર્યકર્તાઓની હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યા કોંગ્રેસ અને ટીએમસીના કાર્યકર્તાઓ વચ્ચે ટકરાવ બાદ થઈ હતી.