અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. દરમિયાન કેન્દ્ર સરકારની એક ટીમ ગુજરાતની મુલાકાતે આવી છે. આ ટીમે સુરતના કન્ટેઈન્ટમેન્ટ વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરીને જરૂરી સુચના પણ કર્યાં હતા. કોરોના પીડિત દર્દીઓના ક્લિનિકલ જજમેન્ટની સાથે તેના શારીરિક બદલાવો પર પણ નજર રાખવા સુચના આપવામાં આવી છે.
દિલ્હીની નીતિ આયોગના સભ્ય વિનોદ પાલ, આઈ.સી.એમ.આર.ના ડી.જી. ડૉ. બલરામ ભાર્ગવા, એઈમ્સના ડાયરેકટર ડૉ. રણદિપ ગુલેરીયા અને ભારત સરકારના આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ આરતી આહુજાની કેન્દ્રીય ટીમે સુરતની મુલાકાત લીધી હતી. નીતિ આયોગના સભ્ય વિનોદ પોલે કોવિડ-19ના દર્દીઓને ખાલી બેડ હોય તેવી હોસ્પિટલ સુધી પહોંચાડવા, આરોગ્યસતુ એપ્લીકેશન, ધનવન્તરી રથનો વ્યાપ વધારવા અને લોકજાગૃતિ કેળવવા પર ભાર મૂક્યો હતો.
એઈમ્સના જાયરેકટર ડો.રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, ડોકટરોએ દર્દીના માત્ર કોરોના પોઝિટિવ અને નેગેટિવ રિપોર્ટ પર જ નિર્ભર ન રહેવાના બદલે ક્લિનિકલ જજમેન્ટ અને પેશન્ટના શારીરિક બદલાવો પર નજર રાખવી જોઈએ. ટોસિલીઝુમેબ ઈન્જેકશન સંદર્ભે લોકોમાં, દર્દીઓમાં ગેરમાન્યતા પ્રવર્તે છે. ટોસિલીઝુમેબ વન્ડર ડ્રગ હોવાની માન્યતાના કારણે જરૂરિયાત ધરાવતા દર્દીઓ વંચિત રહે છે. આ ઈન્જેકશન આપવાના આરોગ્ય વિભાગના ચુસ્ત પેરામીટરને અનુસરીને જ ઈન્જેકશન લેવાં જરૂરી છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, કોરોનામુક્ત થયેલાં વ્યક્તિઓ પ્લાઝમાં ડોનેટ કરીને અન્ય કોરોના દર્દીઓ માટે સંજીવની આપવાનું કાર્ય કરી શકે છે, પરંતુ દરેક ડોનરમાં પર્યાપ્ત માત્રામાં એન્ટી બોડી હોવા જરૂરી છે. શરીરમાં પૂરતાં પ્રમાણમાં એન્ટી બોડી બને તો જ પ્લાઝમાં ડોનેટ કરવાનો અભિગમ સાર્થક બની શકે. જેથી પ્લાઝમા ડોનેશન પહેલાં બ્લડ ટેસ્ટ કરી શરીરમાં એન્ટી બોડીનું પ્રમાણ ચકાસવામાં આવે તે પણ જરૂરી છે.

