Site icon hindi.revoi.in

ફાઈનાન્સ કંપનીઓની દાદાગીરી, મુસાફરો ભરેલી બસને કરી હાઈજેક

Social Share

દિલ્હીઃ ઉત્તરપ્રદેશના આગ્રામાં ફાઈનાન્સ કંપનીની દાદાગીરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મુસાફરોને લઈને ગુરૂગ્રામથી મધ્યપ્રદેશ જઈ રહેલી ખાનગી બસને હાઈજેક કરવામાં આવી હતી. ફાઈનાન્સ કંપનીના કર્મચારીઓની ઓળખ આપીને ચાર શખ્સોએ બસના ચાલક અને કંડકટરને ઉતારીને બસને અજ્ઞાત સ્થળે લઈ ગયા હતા. બસના ડ્રાઈવર અને કંડકટરે પોલીસનો સંપર્ક કરતા પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. બસ માલિકે લોનના હપ્તા નહીં ભર્યા હોવાથી ફાઈનાન્સ કંપનીએ આ કૃત્ય કર્યું હોવાનું જાણવા મળે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ગુરૂગ્રામથી મુસાફરો ભરીને ખાનગી બસ મધ્ય પ્રદેશ જઈ રહી હતી. દરમિયાન મલપુરા પોલીસ સ્ટેશનની હદમાં કારમાં ચાર શખ્સો આવ્યા હતા અને બસમાં અટકાવી હતી. એટલું જ નહીં મુસાફરો કંઈ સમજે તે પહેલા જ આ શખ્સો બસના કંડકટર અને ચાલકને ઉતાર્યા બાદ મુસાફરો ભરેલી બસ લઈને જતા રહ્યાં હતા. આ બનાવને પગલે બસના ડ્રાઈવર અને કંડકટરે પોલીસનો સંપર્ક કરતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. આ બસમાં 34 જેટલા મુસાફરો સવાર હતા. આ ફાઈનાન્સ કંપનીનું જ કૃત્ય છે કે, કેમ તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રોગતિમાન કર્યાં છે. પોલીસે બસના ચાલક અને કંડકટરના નિવેદનના આધારે તપાસ આરંભીને મધ્યપ્રદેશ પોલીસનો પણ સંપર્ક કર્યો હતો. બીજી તરફ આ ઘટનાને પગલે લોકોમાં રોષ ફેલાયો છે. તેમજ ફાઈનાન્સ કંપની સામે આકરી કાર્યવાહી કરવાની માંગણી કરી છે.

Exit mobile version