Site icon hindi.revoi.in

કોંગ્રેસના ગઢમાં ભાજપે પાડ્યું ગાબડું, બનાસકાંઠામાં ચાર તાલુકા પંચાયત કોંગ્રેસના હાથમાં સરકી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકોની પેટાચૂંટણી અને છ મનપા તથા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે બનાસકાંઠામાં ભાજપે કોંગ્રેસના ગઢમાં ગાબડુ પાડ્યું છે. તેમજ 13 તાલુકા પંચાયતમાં યોજાયેલી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપે 10 તાલુકા પંચાયતમાં સત્તા હાંસલ કરી હતી. બીજી તરફ કોંગ્રેસે ચાર તાલુકા પંચાયતમાં સત્તા ગુમાવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠામાં 13 તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થતા ચૂંટણી યોજાઈ હતી. આ તાલુકા પંચાયતોમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી હતી.  ભાજપે વડગામ, દાંતીવાડા, દિયોદર અને ભાભર તાલુકા પંચાયત કોંગ્રેસ પાસેથી છીનવી સત્તાનું સુકાન સંભાળ્યું હતું. આમ આ ચાર તાલુકા પંચાયતમાં કોંગ્રેસ સત્તા જાળવી રાખવામાં નિષ્ફળ રહી હતી. હવે માત્ર ત્રણ જ તાલુકા પંચાયત કોંગ્રેસ પાસે છે. જ્યારે 10 તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો હતો.

બનાસકાંઠા જિલ્લામાં 13 તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્વે કોંગ્રેસના સભ્યોમાં ભારે અસંતોષ ફેલાયો હતો. જેના કારણે ચાર તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસને સત્તા ગુમાવવી પડી હોવાનું રાજકીય તજજ્ઞો માની રહ્યાં છે. બીજી તરફ બનાસકાંઠામાં 10 તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાતા ભાજપના કાર્યકરોમાં ખુશી ફેલાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આગામી નવેમ્બર મહિનામાં વિધાનસભાની ખાલી પડેલી આઠ બેઠકો ઉપર પેટાચૂંટણી યોજાય તેવી શકયતા છે. ત્યાર બાદ અમદાવાદ સહિત છ મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાશે.

Exit mobile version