મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા એનસીપી-કોંગ્રેસ ગઠબંધનની પરેશાની બિલકુલ ઓછી થવાનું નામ લઈ રહી નથી. સપ્ટેમ્બરથી ઓક્ટોબરમાં થનારી વિધાનસભાની ચૂંટણીઓ પહેલા કોંગ્રેસની સાથે જ એનસીપીના મોટા નેતા પાર્ટી છોડી રહ્યા છે. એનસીપીના પ્રમુખ શરદ પવાર પોતાની પાર્ટીના અસંતુષ્ટ નેતાઓને મનાવવામાં લાગેલા છે.
આ ઘટનાક્રમ વચ્ચે ભાજપના વરિષ્ઠ નેતા અને મહારાષ્ટ્ર સરકારના પ્રધાન ગિરીશ મહાજનના નિવેદનથી એનસીપી-કોંગ્રેસ ગઠબંધનની મુશ્કેલી વધી શકે છે. જળ સંસાધન પ્રધાન ગિરીશ મહાજને ક્હ્યુ છે કે વિધાનસભા ચૂંટણી પહેલા એનસીપી-કોંગ્રેસના 50 ધારાસભ્યો ભાજપમાં સામેલ થાય તેવી શક્યતા છે.
મહાજને કહ્યુ છે કે કોંગ્રેસ અને એનસીપીના 50 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. એક માસ પહેલા જ એનસીપીના વરિષ્ઠ નેતા ચિત્રા વાઘે કહ્યું હતું કે તેઓ ભાજપમાં સામેલ થવા માંગે છે. ચિત્રા વાઘનું કહેવું હતું કે એનસીપીમાં તેમને કોઈ ભવિષ્ય દેખાઈ રહ્યું નથી.
પ્રધાને કહ્યુ છે કે ધારાસભ્ય આગ્રહ કરી રહ્યા છે કે તેઓ વિધાનસભા ચૂંટણીથી પહેલા ભાજપમાં સામેલ થવા માગે છે. આવી સ્થિતિમાં કોંગ્રેસે સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ જશે અને આગામી કેટલાક સપ્તાહમાં એનસીપી વધુ કમજોર થશે. મહાજનની આ ટીપ્પણી એવા સમયે આવી છે કે જ્યારે એનસીપીના નેતા શરદ પવારનો સાથ છોડતા દેખાઈ રહ્યા છે.
ગત સપ્તાહે એનસીપીના મોટા નેતા અને મુંબઈ યુનિટના પ્રમુખ સચિન અહીર શિવસેનામાં જોડાયા હતા. સચિન અહિર શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને તેમના પુત્ર આદિત્ય ઠાકરેની હાજરીમાં શિવસેનામાં જોડાયા હતા. સચિન અહીર ગત 20 વર્ષોથી એનસીપી સાથે હતા.
સચિન અહીર 1999થી 2009 સુધી મુંબઈના શિવડીથી ધારાસભ્ય રહી ચુક્યા છે. બાદમાં તેઓ વર્લીથી ચૂંટણી જીત્યા હતા. સચિના પાર્ટીમાં જોડાવા મામલે શિવસેનાએ ક્હ્યું હતું કે તેમને શહેરી રાજનીતિની સમજ ધરાવતા સચિન જેવા રાજનેતાની તલાશ હતી. પાર્ટી સચિનનો ઉપયોગ રાજ્યમાં અન્ય હિસ્સાઓમાં પ્રચાર માટે પણ કરશે.
આના પહેલા કોંગ્રેસ-એનસીપી ગઠબંધનની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપ-શિવસેના ગઠબંધનના હાથે કારમી હાર થઈ હતી. રાજ્યની 48 લોકસભા બેઠકોમાં ભાજપ-શિવસેના ગઠબંધનને 41 બેઠકો મળી હતી. તો કોંગ્રેસ-એનસીપી ગઠબંધનને માત્ર છ બેઠકોથી સંતોષ કરવો પડયો હતો.