નવી દિલ્હી: ભાજપે પોતાના સાંસદોને વ્હિપ જાહેર કરીને બુધવારે લોકસભામાં હાજર રહેવા માટે નિર્દેશ આપ્યા છે. પાર્ટી તરફથી સાંસદોને ત્રણ લાઈનનો વ્હિપ જાહેર કરવામાં આવ્યો છે. ભાજપના વ્હિપ પ્રમાણે, ભાજપના તમામ સાંસદોએ બુધવારે ગૃહમાં હાજર રહેવું પડશે, કારણ કે બુધવારે નિર્મલા સીતારમણ બજેટ પર ચર્ચાનો જવાબ આપશે.
કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે સંસદમાં બજેટ રજૂ કર્યું હતું. મોદી સરકારના બીજા કાર્યકાળનું આ પહેલું બજેટ છે. બજેટમાં નાણાં પ્રધાન તરફથી ઘણી મહત્વપૂર્ણ ઘોષણાઓ કરી છે. બે કલાક અને દશ મિનિટના બજેટ ભાષણમાં ટેક્સને લઈને નવી ઘોષણાઓ કરાઈ છે. બજેટ રજૂ કરતા નિર્મલા સીતારમણે કહ્યું હતું કે મજબૂત દેશ માટે મજબૂત નાગરીક જરૂરી છે. દેશના દરેક નાગરિક સુધી પહોંચવાની સરકારની કોશિશ ચાલુ છે.
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બજેટમાં પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ વધાર્યો છે, તેના કારણે ભાષણના આગામી દિવસે જ પેટ્રોલની કિંમતોમાં અઢી રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમતોમાં 2.3 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો હતો. પેટ્રોલ-ડીઝલ સિવાય સોના, ચાંદી અને અન્ય ધાતુઓ પર પણ ડ્યૂટી વધારવામાં આવી છે.
સિગરેટ અને તમાકુ ઉત્પાદનો પણ આ બજેટ બાદ મોંઘા થયા છે. આયાત કરાતા પુસ્તકો પર પાંચ ટકાનું શુલ્ક વધારવામાં આવ્યું છે. ઓટો પાર્ટ્સ, ઓપ્ટિકલ ફાઈબર, સ્ટેનલેસ ઉત્પાદ, મૂળ ધાતુની ફિટિંગ્સ, ફ્રેમ અને સામાન, એસી, લાઉડસ્પીકર, વીડિયો રેકોર્ડર, સીસીટીવી કેમેરા, વાહનોના હોર્ન, સિગરેટ વગેરે મોંઘા થયા છે.