અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. જેથી સંક્રમણ ફેલતુ અટકાવવા માટે તંત્ર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે. દરમિયાન સુરતમાં જાહેર જગ્યા ઉપર ચારથી વધારે લોકોને એકત્ર નહીં થવા માટે પોલીસ કમિશનરે આદેશ કર્યો હતો. તેમજ શહેરમાં સભા-સરઘસ અને રેલીઓ પણ યોજવામાં નહીં આવે. પોલીસ કમિશનર દ્વારા આ અંગે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેથી તા. 30મી સપ્ટેમ્બરથી તા. 14મી ઓક્ટોબર સુધી જાહેર જગ્યા ઉપર હવે ચારથી વધારે લોકો એકત્ર નહીં થઈ શકે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં અનલોકમાં વેપાર-ધંધા ફરીથી શરૂ થઈ રહ્યાં છે. બીજી તરફ કોરોનાના કેસ વધતા તંત્ર ચિંતામાં મુકાયું છે. દરમિયાન સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમરે એક પરિપત્ર જાહેર કર્યો છે જેમા જણાવાયું છે કે, સુરતમાં 4 કરતા વધુ લોકોને ભેગા થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. તથા સરઘસ કાઢવા કે એકઠા થવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. એટલું જ નહીં જાહેરનામાનો ભંગ કરનારા સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત માસ્ક પહેરવા અને સામાજીક અંતર જાળવવા માટે પણ અપીલ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં એસ.જી.હાઈવે સહિતના વિસ્તારમાં લોકોને કોરોનાનો કોઈ ભય જ ન હોય તેમ માસ્ક વગર ટોળે વળીને બેસતા હોવાનું પ્રકાશમાં આવતા મનપા તંત્ર હરકતમાં આવ્યું હતું. એટલું જ નહીં અમદાવાદ શહેરના 27 વિસ્તારોમાં રાત્રિના 10 કલાક પછી ટી-સ્ટોલ અને ખાણીપીણીની દુકાનો બંધ કરવા નિર્દેશ કરવામાં આવ્યો હતો.