Site icon Revoi.in

રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ: મધ્યસ્થતા આગળ નહીં વધે, તો 25 જુલાઈથી દૈનિક સુનાવણી

Social Share

નવી દિલ્હી:  અયોધ્યામાં રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદ પર ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. અરજદારોએ માગણી કરી હતી કે આ મામલા પર અદાલતે મધ્યસ્થતાનો જે માર્ગ કાઢયો હતો, તે કામ કરી રહ્યો નથી. આના સંદર્ભે સુપ્રીમ કોર્ટે મધ્યસ્થા પેનલ પાસેથી રિપોર્ટ માંગ્યો છે. હવે 18 જુલાઈ સુધીમાં રિપોર્ટ સામે આવશે અને બાદમાં એ વાતનો નિર્ણય થશે કે આ મામલામાં દરરોજ સુનાવણી થશે અથવા નહીં.

સુપ્રીમ કોર્ટે મધ્યસ્થતા કમિટી પાસેથી આ મામલામાં રિપોર્ટ પણ માંગ્યો છે. હવે આ મામલાની સુનાવણી 25 જુલાઈએ થશે. પેનલને આ રિપોર્ટ આગામી ગુરુવાર સુધી સુપ્રીમ કોર્ટમાં જમા કરાવવો પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો પેનલ કહે છે કે મધ્યસ્થતા અસરકારક સાબિત નહીં થાય, તો 25 જુલાઈ બાદ ઓપન કોર્ટમાં દૈનિક સુનાવણી થશે. એટલે કે આ મામલામાં મધ્યસ્થતા ચાલુ રહેશે કે નહીં, તેનો નિર્ણય 18 જુલાઈએ જ થઈ જશે.

હિંદુ પક્ષકાર તરફથી વકીલ રંજીત કુમારે કહ્યુ છે કે 1950થી આ મામલો ચાલી રહ્યો છે, પરંતુ અત્યાર સુધી તેને ઉકેલી શકાયો નથી. મધ્યસ્થતા અસરકારક રહી નથી. માટે અદાલતે તાત્કાલિક નિર્ણય આપી દેવો જોઈએ. પક્ષકારોનું કહેવું છે કે જ્યારે આ મામલો શરૂ થયો હતો, ત્યારે તે યુવાન હતા. પરંતુ અત્યારે તેમની વય 80 વર્ષને પાર થઈ ગઈ છે. પરંતુ આ મામલાનું સમાધાન થઈ શક્યું નથી.

આ મામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ અનિરુદ્ધ બોસની ખંડપીઠ કરી રહી છે. અદાલતે ક્હ્યુ છે કે અનુવાદમાં સમય લાગી રહ્યો હતો. તેના કારણે મધ્યસ્થતા પેનલે વધારે સમયની માગણી કરી હતી. અત્યારે અમે પેનલ પાસે રિપોર્ટ માંગ્યો છે.

ગોપાલસિંહ વિશારદ રામજન્મભૂમિ વિવાદમાં એક મૂળ પક્ષકાર પણ છે. વિશારદે પોતાની અરજીમાં કહ્યુ છે કે આ વિવાદના ઉકેલ માટે આઠમી માર્ચે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ એફ. એમ. કલીફુલ્લાની અધ્યક્ષતામાં ત્રણ સદસ્યોની એક કમિટી બનાવવામાં આવી હતી. પરંતુ તેમા કોઈ પ્રગતિ જોવા મળી નથી. વિશારદે અરજીમાં કહ્યુ છે કે સુપ્રીમ કોર્ટ આ મામલાની ઝડપી સુનાવણી કરે.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ દીપક ગુપ્તા અને અનિરૂદ્ધ બોસની ત્રણસદસ્યોની ખંડપીઠ સમક્ષ વિશારદ તરફથી રજૂ થયેલા વરિષ્ઠ વકીલ પી. એસ. નરસિમ્હાએ કહ્યુ છે કે માલિકી હકના આ વિવાદને ઝડપી સુનાવણી માટે સુપ્રીમ કોર્ટમાં યાદીબદ્ધ કરવાની જરૂરત છે.

વિશારદે અરજીમાં કહ્યુ છે કે મધ્યસ્થતા કમિટીની અત્યાર સુધીમાં ત્રણ બેઠકો થઈચુકી છે. પરંતુ ઉકેલ નીકળવાની કોઈ સંભાવના દેખાઈ રહી નથી. માટે સુપ્રીમ કોર્ટ આના સંદર્ભે ઝડપથી સુનાવણી કરે.