અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. બીજી તરફ મનપા તંત્ર દ્વારા કોરોનાનું સંક્રમણ વધારે ફેલતું અટકાવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. દરમિયાન કોરોનાની ગાઈડલાઈનનું પાલન નહીં કરનારા અમદાવાદવાસીઓ પાસેથી તંત્ર દ્વારા બે દિવસમાં જ લગભગ 3 લાખથી વધારે દંડ વસુલવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. એટલું જ નહીં માસ્ક વગર ફરતા 69 લોકોને ઝડપીને તેમનો ટોસ્ટ કરવામાં આવતા નવ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં માસ્ક નહીં પહેરનાર, જાહેરમાં થુંકનાર અને સામાજીક અંતર નહીં રાખનાર લોકોને ઝડપી લેવા માટે મનપા તંત્ર દ્વારા કવાયત વધારે તેજ કરવામાં આવી છે. દરમિયાન બે દિવસમાં જ અમદાવાદ શહેરમાંથી માસ્ક વગર 69 લોકોને ઝડપી લઈને ટેસ્ટ કરવામાં આવ્યાં હતા. શહેરના પૂર્વ વિસ્તારમાં માસ્ક વગર ફરતા ઝડપાયેલા 11 લોકોને ઝડપીને ટેસ્ટ કરાવતા 4 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઉત્તરઝોનમાં માસ્ક વગર પકડાયેલા 6 પૈકી 2 વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં માસ્ક વગર ઝડપાયેલા 15 પૈકી 3નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે વ્યક્તિનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો તેની પાસેથી રૂ. 60 હજાર જેટલો દંડ વસુલવામાં આવ્યો હતો.
આ ઉપરાંત સરકારની કોરોના ગાઈડલાઈનનું પાલન નહીં કરનારા લોકોને પણ ઝડપીને તેમની પાસેથી દંડ વસુલવામાં આવ્યો હતો. આમ બે દિવસમાં જ કોરોના ગાઈડલાઈનનું પાલન નહીં કરનારા શહેરીજનો પાસેથી રૂ. 3 લાખ જેટલો દંડ વસુલવામાં આવ્યો હતો.