Site icon Revoi.in

અલકાયદા નબળું પડયું નથી, લશ્કરે તૈયબા સાથે ચાલુ છે સહયોગ: યુએનનો રિપોર્ટ

Social Share

યુએનના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદી સંગઠન અલકાયદા કમજોર પડયું નથી અને પાકિસ્તાનથી સંચાલિત લશ્કરે તૈયબા અને હક્કાની નેટવર્ક વગેરે આતંકવાદી જૂથોની સાથે તેના સહયોગનો સિલસિલો યથાવત છે. પરંતુ તેના પ્રમુખ અયમન મુહમ્મદ અલ જવાહિરીનું આરોગ્ય અને તેના પછી સંગઠનના કામ કરવાની પદ્ધતિને લઈને શંકા યથાવત છે. આ ખુલાસો વિશ્લેષણાત્મક સમર્થન અને પ્રતિબંધ નિરીક્ષણ ટીમના 24મા રિપોર્ટમાં થયો છે. જે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ અલકાયદા પ્રતિબંધ સમિતિને આ મહીને સોંપવામાં આવ્યો છે.

પ્રતિબંધ નિરીક્ષણ ટીમ ઈસ્લામિક સ્ટેટ, અલકાયદા અને સંબંધિત વ્યક્તિઓ, સમૂહો, ઉપક્રમો અને કંપનીઓ પર સુરક્ષા પરિષદને દર છ મહીને સ્વતંત્ર રિપોર્ટની સોંપણી કરે છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અલકાયદા કમજોર પડયું નથી. જો કે તેના આકા અયમન મુહમ્મદ રબી અલ જવાહિરીના સ્વાસ્થ્ય, તેના જીવનકાળ અને તેના પછી સંગઠનના કામ કરવાની પદ્ધતિને લઈને શંકા યથાવત છે. તેમા કહેવામાં આવ્યું છે કે અલકાયદા અફગાનિસ્તાનને પોતાના નેતૃત્વ માટે સુરક્ષિત આશ્રયસ્થાન માને છે અને તેના માટે તે તાલિબાનો સાથેપોતાના લાંબા અને મજબૂત સંબંધો પર નિર્ભર રહે છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે તાલિબાનના આશ્રય હેઠળ અલકાયદા બદખ્શાં પ્રાંત, ખાસ કરીને તાજિકિસ્તાનની સાથે લાગતા શિગનાન વિસ્તારની સાથે પકતિકા પ્રાંતના બારમલમાં પોતાની હાજરી મજબૂત કરવાનું ઈચ્છુક છે. આ રિપોર્ટ પ્રમાણે, અલકાયદાનું લશ્કરે તૈયબા અને હક્કાની નેટવર્ક સાથે નિકટવર્તી સહયોગ કરવાનું ચાલુ છે. અલકાયદાના સદસ્યોના તાલિબાન માટે સૈન્ય અને ધાર્મિક નિર્દેશકો તરીકે નિયમિતપણે કામ કરવાનું પણ ચાલુ છે.