કેન્દ્ર સરકાર દ્વારા જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદડ-370ને અસરહીન કરવાના નિર્ણયને મોટાભાગના કોંગ્રેસી નેતાઓએ ખોટું ગણાવતા તેના પર પોતાની અસંમતિ વ્યક્ત કરી છે. ત્યારે અખિલ ભારતીય આતંકવાદ વિરોધી મોરચા- એઆઈએટીએફના અધ્યક્ષ અને ભારતીય યૂથ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ મનિંદરજીતસિંહ બિટ્ટાએ પોતાના ફેસબુક હોમપેજ પર એક વીડિયો શેયર કરતા ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના પત્રકારને ઠપકો આપ્યો છે. તેમણે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ-370ને અસરહીન કરવાના અને રાજ્યના બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર અને લડાખ બનાવવાના મોદી સરકારના પગલાનું સમર્થન નહીં કરવા બદલ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના પત્રકારની આકરી ટીકા કરી છે.
બિટ્ટાએ પોતાના પોસ્ટનું કેપ્શન લખ્યુ છે કે હજીપણ દેશમાં ઘણાં દેશદ્રોહી છે. જેમને અનુચ્છેદ-370 હટાવવાથી પરેશાની છે. આ વીડિયોમાં એમ. એસ. બિટ્ટાને પીએમ મોદીના આ નિર્ણયને સાહસિક ગણાવતા તેમની પ્રશંસા કરતા જોઈ શકાય છે. એમ. એસ. બિટ્ટા ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના પત્રકારને ધિક્કારતા કહી રહ્યા છે કે તમે કેવા પત્રકાર છો? પીએમ મોદીએ આટલું મોટું કામ કરી દીધું, તમારા લોકો પર શું અસર નથી? તમે હિંદુસ્તાની છો? શું તમે એક ભારતીય છો? ભારતીય હોવાનો ગર્વ છે? તો જે નરેન્દ્ર મોદીએ કર્યું છે, તેને સેલ્યૂટ કરો ને. પત્રકારત્વની વાત કરો નહીં. રાષ્ટ્રની વાત કરો. જો તમને નરેન્દ્ર મોદીનું કામ દેખાતું નથી, તો તમે હિંદુસ્તાની છો જ નહીં.
મહત્વપૂર્ણ છે કે બિટ્ટાએ આના પહેલા અનુચ્છેદ-35એ અને 370ને સમાપ્ત કરવા બદલ સંસદમાં વોટ આપવાનું આહ્વાન કરતા કહ્યુ હતુ કે સંસદનું સત્ર ચાલી રહ્યું છે અને સરકારે એ જાણવા માટે મતદાન કરાવવું જોઈએ કે બંધારણના અનુચ્છેદ-370 અને અનુચ્છેદ-35-એને કોણ-કોણ રદ્દ કરવા ચાહે છે. આનાથી રાષ્ટ્રના રાષ્ટ્રવાદીઓ અને ગદ્દારોના સંદર્ભે ખબર પડી જશે.
બિટ્ટાએ પીએમ મોદી પર વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યુ હતુ કે વડાપ્રધાન ઝડપથી કાશ્મીરમાંથી આતંકવાદને સમાપ્ત કરી દેશે. તેમણે આરોપ લગાવ્યો હતો કે વિદેશમાં બેઠેલા મુઠ્ઠીભર લોકો, પાકિસ્તાનની જાસૂસી એજન્સી આઈએસઆઈ દ્વારા ફંડિંગ મેળવે છે. જે કાશ્મીરને બદનામ કરી રહ્યા છે અને સ્થાનિક વ્યવસાયોને નુકસાન પહોંચાડી રહ્યા છે.
મહત્વપૂર્ણ છે કે 7 જુલાઈ-1992ના રોજ પંજાબના અમૃતસર શહેરમાં એક બોમ્બ વિસ્ફોટમાં બિટ્ટાએ પોતાનો એક પગ ગુમાવ્યો હતો. આ વિસ્ફોટમાં 13 લોકોના મોત નીપજ્યા હતા. તેના સિવાય ભારતીય યૂથ કોંગ્રેસના અધ્યક્ષ તરીકેના કાર્યકાળમાં 11 સપ્ટેમ્બર-1993ના રોજ ઓફિસના પરિસરમાં થયેલા ઘાતક હુમલાના શિકારનો ભોગ બનવાથી પણ તેવો બચી ગયા હતા. આ હુમલામાં નવ લોકોના મોત નીપજ્યા હતા અને અન્ય 36 લોકો ઘાયલ થયા હતા. બિટ્ટાએ 2013માં દિલ્હીમાં કોંગ્રેસની સરકાર પર શાબ્દિક પ્રહાર કરતા તત્કાલિન મુખ્યપ્રધાન શીલા દિક્ષિત પર પોતાની સુરક્ષા લઈ લેવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે આતંકવાદીઓના હિટલિસ્ટમાં હોવા છતાં તેમની પાર્ટીએ તેમને મરવા માટે છોડી દીધા.