Site icon Revoi.in

અમદાવાદમાં કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં આગ, 8 દર્દીના મોત

Social Share

અમદાવાદઃ શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ-19 ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં રાત્રિના સમયે આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આગની આ ઘટનામાં 8 દર્દીઓ ભડથું થઈ ગયાં હતા. શોર્ટસરકીટના કારણે હોસ્પિટલમાં આગ લાગી હોવાનું જાણવા મળે છે. તેમજ હોસ્પિટલ પાસે ફાયર સેફટીનું સર્ટીફિકેટ નહીં હોવાનું જાણવા મળે છે. જો હોસ્પિટલ પાસે ફાયર સેફટીનું સર્ટીફિકેટ નહીં હોવા છતા મનપા તંત્ર દ્વારા કેવી રીતે કોવિડ હોસ્પિટલ બનાવી તે અંગેની અટકળો પણ વહેતી થઈ છે. દરમિયાન વડાપ્રધાને આગની આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને મૃતકના પરિવારજનોને રૂ. 2-2 લાખ અને આગમાં દાઝેલા દર્દીઓને રૂ. 50 હજારની સહાયની જાહેરાત કરી હતી. દરમિયાન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ હોસ્પિટલ દોડી ગયા હતા. દરમિયાન હોસ્પિટલના ચેરમેન ભરત મહંતની પોલીસે અટકાયત કરી હતી. તેમજ તેમની પૂછપરછ આરંભી હતી. તેમજ પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ તપાસવામાં આવી રહ્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલને મનપા તંત્ર દ્વારા કોવિડ-19 હોસ્પિટલમાં ફેરવવામાં આવી હતી. તેમજ હોસ્પિટલમાં 49 જેટલા દર્દીઓ સારવાર લઈ રહ્યાં હતા. દરમિયાન રાત્રિના 3.30 કલાકની આસપાસ હોસ્પિટલમાં આગ લાગતા નાસભાગ મચી ગઈ હતી. આ અંગેની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આગની આ ઘટનામાં 3 મહિલા સહિત 8 દર્દીઓના મોત થયાં છે. જ્યારે 41 દર્દીઓને બહાર કાઢીને અન્ય હોસ્પિટલમાં મોકલી આપ્યાં હતા. હોસ્પિટલમાં આગનું ચોક્કસ કારણ જાણવા તપાસ આરંભી હતી. તેમજ હોસ્પિટલને ખાલી કરીને સીલ કરવામાં આવી છે.

આગની ઘટનાની જાણ થતા આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિ હોસ્પિટલ દોડી ગયા હતા. તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ કરવામાં આવશે અને આ દુર્ઘટના પાછળ કોની બેદરકારી છે તેની પણ તપાસ થશે. આગની આ ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડના 35 જેટલા જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા. આ ફાયર જવાનો કોરોના પીડિત દર્દીઓના સંપર્કમાં આવતા તેમને સેલ્ફ ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે. દરમિયાન આ ઘટનાને પગલે દર્દીઓના પરિવારજનોએ હોસ્પિટલ તંત્રની સામે ગંભીર આક્ષેપ કર્યાં હતા.