અમદાવાદઃ ગુજરાતમાં દુનિયાની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમને નિહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. ત્યારે હવે કેવડિયા આવતા પ્રવાસીઓ આગામી મહિનાઓમાં રોપ-વે સેવાનો પણ આનંદ લઈ શકશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમની વચ્ચે સાતપુડાની વિધ્યાંચલ પર્વતમાં રોપ-વે શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આગામી 24 મહિનામાં આ સેવા શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર કેવડિયામાં રોપ-વે સેવા શરૂ કરવા અંગે નિર્ણય લેવાયો છે. આ પ્રોજેક્ટની કિંમત રૂ. 60 કરોડ અંદાજવામાં આવી છે. 1.25 કિમી લાંબો આ રોપ-વે કેબલ ડિટેચેબલ ગોંડોલા સિસ્ટમ પ્રમાણે બનશે અને પાંચ ટાવર મૂકાશે. આ ઉપરાંત બે સ્ટેશન ઉભા કરાશે. રોપ-વેની કેબિનો વચ્ચે 24 સેકન્ડનો ઇન્ટરવલ રહેશે. પ્રારંભમાં 12 કેબિન પછી વધારીને 22 કેબિન કરવામાં આવશે. એક કેબિનમાં ૧૦ લોકો બેસી શકશે. નર્મદા વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ પ્રોજેકટને 24 મહિનાના ટૂંકાસમયમાં તૈયાર કરી પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીની મોટી સંખ્યામાં લોકો મુલાકાતે આવે છે. ત્યારે આગામી બે વર્ષમાં રોપ-વે સેવા શરૂ થયા બાદ પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બને તેવી શકયતા છે. તંત્ર દ્વારા રોપ-વે સેવા માટે જરૂરી ટેન્ડરિંગની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે.