અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે અને સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. રાજ્યમાં સાર્વત્રિક વરસાદના કારણે જળાશયોમાં પણ નવા જળની આવક થઈ રહી છે. રાજ્યના 205 જળાશયોમાં 64 ટકા કરતા વધુ જળ સંગ્રહ થઇ ચુક્યો છે. જ્યારે સરદાર સરોવર ડેમમાં 54.48 ટકા જથ્થો સંગ્રહ થઇ ચુક્યો છે.
રાજ્યના 98 ડેમ 90 ટકાથી વધારે ભરાયા હોવાથી હાઈ એલર્ટ પર મુકાયા છે. આવી જ રીતે 9 ડેમ 80 થી 90 ટકા ભરાયા હોવાથી એલર્ટ સ્ટેજ પર છે. જ્યારે 70 ટકાથી વધારે ભરાયેલા 14 ડેમો વોર્નિંગ સ્ટેજ પર મુકવામાં આવ્યા છે. ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદના કારણે સરદાર સરોવર ડેમમાં 18,943 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે ઉકાઈમાં 68,699 ક્યુસેક પાણીની આવક અત્યારે થઈ રહી છે. રાજ્યમાં વરસાદના કારણે 39 નદીઓ અને 44 તળાવો ઓવરફ્લો થવા લાગ્યા છે.
ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે અને અત્યાર સુધીમાં સિઝનનો 83.59 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં 7 તાલુકાઓ માં હજુ 10 ઇંચ થી ઓછો વરસાદ પડ્યો છે. અમદાવાદ જિલ્લા ના માંડલ, બનાસકાંઠા કાંકરેજ અને વાવ તાલુકો, દાહોદ ના સિગવલ અને ઝાલોદ તાલુકા, મહીસાગર ના ખાનપુર અને પાટણ ના સાંતલપુર તાલુકા માં એમ કુલ 7 તાલુકા મા 10 ઇંચ થી ઓછો વરસાદ વરસ્યો છે.