અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. તેમજ સરકાર દ્વારા છેલ્લા કેટલાક દિવસથી રોજના સરેરાશ 30 હજાર જેટલા ટેસ્ટીંગ કરવામાં આવી રહ્યાં છે અને રાજ્યમાં અત્યાર સુધીમાં 10.50 લાખ ટેસ્ટ કરવામાં આવ્યાં છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ટેસ્ટીંગ વધારવા સૂચન કર્યું હતું. જેના પગલે ગુજરાતમાં કોરોના વાયરસના ટેસ્ટીંગમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને રોજના સરેરાશ 50 હજાર ટેસ્ટ કરવાનો નિર્ણય લેવાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે અને રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 72 હજારથી પણ વધારો પોઝિટિવ કેસ નોંધાયાં છે. સરકાર દ્વારા કોરોના વાયરસનું સંક્રમણ વધારે ફેલતુ અટકાવવા અને પોઝિટિવ કેસ શોધી કાઢવા માટે સર્વે અને ટેસ્ટીંગની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે હવે કોરોના વાયરસના ટેસ્ટીંગને લઈને સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં રોજના સરેરાશ 50 હજાર ટેસ્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યમાં હાલ સરકારી અને ખાનગી મળીને રૂ. 50 જેટલી લેબોરેટરીઓ કાર્યરત છે. ઉપરાંત પ્રજાને નજીકના સ્થળે જ કોરોના વાયરસના ટેસ્ટની સુવિધા મળી રહે તે માટે રેપીડ એન્ટીજન કીટથી ટેસ્ટીંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ સહિતના શહેરોમાં તંત્ર દ્વારા પોઝિટિવ કેસ શોધી કાઢવા સઘન ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.