Site icon hindi.revoi.in

નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયાં, નદીકાંઠાના ગામોને કરાયા સાબદા

Social Share

અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના ઉપરવાસમાં થઈ રહેલા વરસાદના કારણે નવા પાણીની આવક થતા જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. દરમિયાન ડેમના 30 દરવાજા પૈકી 23 દરવાજા ખોલીને 3.65 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. જેથી નદીકાંઠાના ગામોને સાબદા રહેવા માટે તાકીદ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડવામાં આવતા કેવડિયા ખાતે સરદાર સરોવર ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી નર્મદા ડેમના 30માંથી 23 દરવાજા ખોલી 3,26,463 ક્યુસેક પાણી છોડાવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમના દરવાજા 2.85 મીટર જેટલા ખોલવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. બીજી તરફ ડેમની જળસપાટી 131.27 મીટર ઉપર પહોંચી છે. તેમજ દર કલાકે નર્મદા બંધમાં પાણીની સપાટીમાં 2થી 2.5 સેન્ટિમીટર નો વધારો નોંધાઇ રહ્યો છે. દરમિયાન RBPHના 5 ટર્બાઇન ચાલુ કરી 1000 મેગા વોટ વીજ ઉત્પાદન કરાઈ રહ્યું છે.

નર્મદા ડેમના 23 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવતા ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લાના નદીકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. તંત્ર દ્વારા નદી કિનારે આવેલા 21 જેટલા ગામના લોકોને સાબદા રહેવા તાકીદ કરવામાં આવી છે. નર્મદા નદી બે કાંઠે વહેતી થતા સિઝનમાં પ્રથમવાર ગરૂડેશ્વર વિયક કમ કોઝવે પ્રથમવાર છલકાયો છે. આ ઉપરાંત તીર્થધામ ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટના 40 પગથીયા પાણીમાં ગરકાવ થયા છે.

Exit mobile version