Site icon hindi.revoi.in

2002 ગુજરાત: સુપ્રીમ કોર્ટનો સરકારને નિર્દેશ, બિલ્કિસ બાનોને 2 સપ્તાહમાં 50 લાખનું વળતર અને નોકરી આપો

Social Share

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને 2002ના હુલ્લડો દરમિયાન સામુહિક બળાત્કારનો ભોગ બનેલી બિલ્કિસ બાનોને 50 લાખ રૂપિયાનું વળતર, નોકરી અને આવાસ આપવાના નિર્દેશ આપ્યા છે. જો કે આ નિર્દેશ પહેલા પણ સુપ્રીમ કોર્ટ આપી ચુકી છે. પરંતુ આ વખતે કોર્ટે સ્પષ્ટપણે બે સપ્તાહની અંદર બિલ્કિસ બાનોને આ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે જણાવ્યું છે. મહત્વપૂર્ણ છે કે 2002માં હિંસક ભીડે આ હુમલામાં ગર્ભવતી બિલ્કિસ બાનો સાથે ગેંગરેપ કર્યો હતો અને તેમના પરિવારના સાત સદસ્યોની હત્યા કરી દીધી હતી.

આ વર્ષે એપ્રિલમાં આ મામલાની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ, જસ્ટિસ દીપક ગુપ્તા અને જસ્ટિસ સંજીવ ખન્નાની ખંડપીઠે ગુજરાત સરકારને સૂચિત કર્યા છે કે આ મામલામાં દોષિત પોલીસ અધિકારીઓની વિરુદ્ધ કાર્યવાહી થઈ ચુકી છે. ખંડપીઠને એમ પણ જણાવવામાં આવ્યું હતું કે પોલીસ અધિકારીઓને પેન્શનના લાભ રોકી દેવામાં આવ્યા છે અને બોમ્બે હાઈકોર્ટ દ્વારા દોષિત આઈપીએસ અધિકારીનું બે રેન્ક ડિમોશન કરવામાં આવ્યું છે.

બિલ્કિસ બાનોએ આના પહેલા સુપ્રીમ કોર્ટની સમક્ષ એક અરજી પર તેમને પાંચ લાખ રૂપિયા વળતર આપવાની રાજ્ય સરકારની પેશકશ ઠુકરાવીને એવું વળતર માંગ્યું હતું કે જે અન્યો માટે ઉદાહરણ બને. સુપ્રીમ કોર્ટે આના પહેલા 29 માર્ચે ગુજરાત સરકારને કહ્યું હતું કે બોમ્બે હાઈકોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવેલા આઈપીએસ અધિકારી સહીત તમામ દોષિત પોલીસકર્મીઓની વિરુદ્ધ બે સપ્તાહની અંદર અનુશાસનાત્મક કાર્યવાહી કરવામાં આવે.

બિલ્કિસ બાનોના વકીલ શોભા ગુપ્તાએ આના પહેલા કોર્ટને કહ્યું હતું કે રાજ્ય સરકારે દોષિત ઠેરવવામાં આવેલા પોલીસ અધિકારીઓની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરી નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે ગુજરાતમાં સેવારત એક આઈપીએસ અધિકારી આ વર્ષે સેવાનિવૃત્ત થવાના છે, જ્યારે ચાર અન્ય પહેલા જ રિટાયર થઈ ચુક્યા છે અને તેમના પેન્શન તથા સેવાનિવૃત્તિ સંબંધિત લાભ રોકવા જેવી કાર્યવાહી પણ કરવામાં આવી નથી.

રાજ્ય સરકાર તરફથી વરિષ્ઠ એડવોકેટ તુષાર મહેતાએ કહ્યુ હતુ કે આ પોલીસ અધિકારીઓની વિરુદ્ધ વિભાગીય કાર્યવાહી થઈ રહી છે. બિલ્કિસ બાનોના વળતર સંદર્ભે મહેતાએ કહ્યુ હતુ કે આ પ્રકારની ઘટનાઓમાં પાંચ લાખ રૂપિયા વળતર આપવાની રાજ્ય સરકારની નીતિ છે.

મહત્વપૂર્ણ છે કે અમદાવાદ નજીક રણધિકપુર ગામમાં આક્રોશિત ભીડે ત્રણ માર્ચ – 2002ના રોજ બિલ્કિસ બાનોના પરિવાર પર હુમલો કર્યો હતો. આ હુમલા વખતે બિલ્કિસ બાનોને પાંચ માસનો ગર્ભ હતો અને તેની સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. તેના પરિવારના સાત સદસ્યોની હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલામાં વિશેષ અધાલતે 21 જાન્યુઆરી-2008ના રોજ 11 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. જ્યારે તમામ પોલીસકર્મીઓ અને તબીબો સહીતના સાત આરોપીઓને બરી કરી દેવામાં આવ્યા હતા.

હાઈકોર્ટે 4 મે-2017ના રોજ પાંચ પોલીસકર્મીઓ અને બે તબીબોને યોગ્ય રીતે પોતાની ડ્યૂટી નહીં નિભાવવાને કારણે અને પુરાવા સાથે છેડછાડના અપરાધમાં આઈપીસીની કલમ- 218 અને કલમ-201 હેઠળ દોષિત ઠેરવ્યા હતા. સુપ્રીમ કોર્ટે 10 જુલાઈ-2017ના રોજ બંને તબીબો અને આઈપીએસ અધિકારી આર. એસ. ભગોડા સહીત ચાર પોલીસકર્મીઓની અપીલને નામંજૂર કરી હતી. આ તમામે હાઈકોર્ટના ચુકાદાને પડકાર્યો હતો.

Exit mobile version