અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. દરમિયાન આણંદમાં આભ ભાટ્યું હોય તેમ ધોધમાર 12.5 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેથી નીચાણવાળા વિસ્તારોમાં ધુંટણસમા પાણી ભરાયાં હતા. તેમજ અનેક ઘરોમાં વરસાદી પાણી ઘુસી ગયા હતા. દરમિયાન રાજ્યમાં 24 કલાકમાં 245 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જ્યારે આજે સવારે બે કલાકમાં 125 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
ગુજરાતમાં આજે સવારથી જ મેઘરાજા વરસી રહ્યાં છે. દરમિયાન બે કલાકમાં સુરતના ઉમરપાડા અને માંડવીમાં 2.5, કામરેજમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યમાં 16 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. 24 કલાકમાં રાજ્યના 245 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. આણંદમા સૌથી વધુ 12.5 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો હતો. સુરતના ઉમરપાડામાં 12 ઇંચ, સુરેન્દ્રનગરના લખતરમા 8.5 ઇંચ, નડિયાદમાં 8 ઇંચ, ડેડીયાપાડામા 7 ઇંચ, બોરસદમાં પોણા સાત ઇંચ વરસાદ, પેટલાદ અને વઢવાણમાં 6 ઇંચ, આંકલાવ અને બારડોલીમા 5 ઇંચ નોંધાયો હતો. રાજ્યના અન્ય 10 તાલુકાઓમાં 4 ઇંચ કે તેથી વધુ વરસાદ નોંધાયો હતો.
રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 70.32 ટકા વરસાદ પડી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાત 58 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 102 ટકા, મધ્ય-પૂર્વ ઝોન 54.52, ઉત્તર ગુજરાત 51.90 ટકા વરસાદ નોંધાયો છે. આણંદ તાલુકામાં 12.5 ઇંચ જેટલો વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. આણંદ શહેરના ત્રણ તળાવ ઘણા વર્ષોબાદ છલકાયા છે. ગામવડ વિસ્તાર સહિત શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઢીંચણસમાં પાણી ભરાયા છે. તો કેટલીક સોસાયટીઓના ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે.