Site icon Revoi.in

રાજ્યમાં કોરોના વાયરસના રેકોર્ડબ્રેક 1078 કેસ નોંધાયાં, 718 દર્દીઓ થયાં સાજા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસે અજગર ભડો લીધો છે. સતત ત્રીજા દિવસે પણ એક હજારથી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં હતા. 24 કલાકમાં કોરોના વાયરસના રેકોર્ડબ્રેક 1078 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. રાહતની વાત એ છે કે, 718 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યાં હતા. બીજી તરફ કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધતા હોવાથી સંક્રમણ અટકાવવા માટે રાજ્ય સરકારની સાથે સ્વાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને વેપારીઓ આગળ આવી રહ્યાં છે. તેમજ અનેક ગામો અને શહેરોમાં આંશિક સ્વૈચ્છીક લોકડાઉનનું પાલન કરવામાં આવી રહ્યું છે.

રાજ્યમાં 24 કલાકમાં સૌથી વધારે સુરતમાં પોઝિટિવ કેસ નોંધાયાં હતા. અમદાવાદ શહેરમાં 187, સુરત શહેરમાં 181, સુરત ગ્રામ્યમાં 75, વડોદરામાં 71, રાજકોટમાં 44, નર્મદામાં 40, દાહોદમાં 31, સુરેન્દ્રનગરમાં 31, ભરૂચમાં 27, જામનગર શહેરમાં 25 કેસ નોંધાયા હતા. આમ રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો વધીને 52 હજારને પાર પહોંચ્યો છે.

આ ઉપરાંત કોરોના વાયરસની બીમારીમાં વધુ 28 દર્દીના મોત થયાં હતા. આમ રાજ્યમાં આ મહામારીમાં મૃત્યુઆંક 2257 ઉપર પહોંચ્યો છે. રાજ્યમાં 24 કલાકમાં 718 દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યાં હતા. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં 37958 લોકોએ કોરોના વાયરસને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ 12348 દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યાં છે. જે પૈકી 89 દર્દીઓ વેન્ટીલેટર ઉપર છે.