અમદાવાદઃ ગુજરાતમાં ચાલુ વર્ષે 100 ટકાથી વધારે વરસાદ વરસ્યો હોવાથી જળાશયો છલકાયાં હતા. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં નવા પાણીની પુષ્કળ આવક થઈ હતી. નર્મદાનું પાણી રાજ્યભરમાં ખેડૂતોને ચિંતાઈ અને પીવા માટે પુરુ પાડવામાં આવે છે. આ ઉપરાંત ઉદ્યોગોને પણ પુરુ પાડવામાં આવે છે. દરમિયાન પીવા અને ઉદ્યોગોને પુરુ પાડવામાં આવતા પાણીના દરમાં લગભગ 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર માર્ચ 2021 સુધી નર્મદા નિગમે પીવા માટેના દર પ્રતિ 1000 લીટરે 3.80 રૂપિયા રાખ્યા છે જ્યારે ઔદ્યોગિક વપરાશ માટેના દર પ્રતિ 1000 લીટરે 31.38 રૂપિયા રાખ્યા છે. માર્ચ 2021 પછી પીવા માટેના પાણીના દરમાં 38 પૈસાનો તેમજ ઔદ્યોગિક વપરાશ માટેના પાણીના દરમાં 3.13 રૂપિયાનો વધારો થશે.
ગુજરાતમાં 2006-07માં પ્રથમ વખત પાણીના દર નિયત કરવામાં આવ્યા હતા ત્યારે પીવાના પાણી માટે એક રૂપિયો અને ઔદ્યોગિક વપરાશ માટે 10 રૂપિયા રાખવામાં આવ્યા હતા. 2014-15માં આ દરો અનુક્રમે 2.14 રૂપિયા અને 17.72 રૂપિયા થયાં હતા. નર્મદાના પાણીના દરમાં પ્રત્યેક નાણાકીય વર્ષના અંતે 10 ટકાનો વધારો કરવામાં આવે છે. માર્ચ 2021થી નવા દરનો અમલ કરવામાં આવશે. પીવા માટે પ્રતિ 1000 લીટરે રૂ. 4.18 અને ઓદ્યોગિક વપરાશ માટે પ્રતિ 1000 લીટરે રૂ. 34.51 વસુલવામાં આવશે.