નવી દિલ્હી : અયોધ્યામાં ભગવાન રામની કાષ્ઠની બનેલી મૂર્તિના અનાવરણ કર્યા બાદ એક સભાને સંબોધિત કરતા યુપીના સીએમ યોગી આદિત્યનાથે રામજન્મભૂમિ પર રામમંદિર નિર્માણને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યુ છે કે અયોધ્યામાં જનભાવનાઓને ધ્યાનમાં રાખતા ભવ્ય રામમંદિરનું નિર્માણ થશે.
યોગી આદિત્યનાથે કહ્યુ છે કે દુનિયાની સામે માનવતાના કલ્યાણનો માર્ગ ભારતમાંથી જ પ્રશસ્ત થશે. તેમણે કહ્યુ છે કે દુનિયામાં કરુણા અને મૈત્રીનો સંદેશ ભારતે આપ્યો છે. એ કારણ છે કે આજે આખી દુનિયાને ભારત તરફ જોવું પડે છે. યોગી આદિત્યનાથે કહ્યુ છે કે સશક્ત, સંપન્ન અને સમૃદ્ધશાળી રાષ્ટ્ર જ શાંતિ અને સૌહાર્દની વાત કરી શકે છે. તેમણે કહ્યુ છે કે ગત પાંચ વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જે ગતિથી વિકાસ કરવામાં આવ્યો છે, તેનાથી આખી દુનિયામાં હિંદુસ્તાનની શાખ વધી છે.
અલ્હાબાદમાં સંપન્ન થયેલા કુંભમેળાની સફળતાનો ઉલ્લેખ કરતા યોગી આદિત્યનાથે કહ્યુ છે કે પહેલીવાર યૂનેસ્કોએ કુંભને સાંસ્કૃતિક ઉત્સવની માન્યતા આપી છે. પહેલો એવો કુંભ રહ્યો જેમાં દુનિયાના ઘણાં દેશોની ભાગીદારી હતી. આના પહેલા સીએમ યોગી આદિત્યનાથે ભગવાન રામની મૂર્તિનું અનાવરણ કર્યું હતું. અયોધ્યા પહોંચ્યા બાદ મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સાધુ-સંતો સાથે મુલાકાત કરી છે અને તેમણે મંદિરને લઈને મોદી સરકારનો એજન્ડા સમજાવ્યો હતો.