પાલનપુરઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી માતાના મંદિરને દર્શનાર્થીઓ માટે હવે 11મી જુન સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પહેલા 4થી જુન સુધી મંદિર બંધ રહેવાનું હતું પરંતુ કોરોના સંક્રમણમાં સાવચેતીના પગલા રૂપે મંદિર ખોલવામાં એક સપ્તાહ લંબાવાયું છે. ગુજરાત અને દેશના વિવિધ રાજયોના યાત્રીઓ વારંવાર અંબાજી મંદિરના દર્શને આવતા હોય છે પરંતુ કોરોના સંક્રમણ વધતા આ મંદિરને જનતા માટે બંધ કરવામાં આવ્યું છે.
યાત્રાધામ અંબાજીમાં દર્શન માટે ભાવિક ભકતોને હજી તા. 11મી જુન સુધી પ્રતિક્ષા કરવી પડે તેમ છે. કેમ કે આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટે અવધિ લંબાવવાનો નિર્ણય કર્યો છે. ટ્રસ્ટના જણાવ્યા પ્રમાણે મંદિરના પૂજારીઓ દ્વારા મંદિરમાં પૂજા અને આરતી નિયમિત કરવામાંઆવશે પરંતુ તેમાં ભાવિક ભકતો જોડાઇ શકશે નહી. જો કોરોના સંક્રમણ નિયંત્રણમાં હશે તો ટ્રસ્ટ દ્વારા મંદિરને દર્શનાર્થીઓ માટે ખોલવાનો નિર્ણય 11મી જુને લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે શામળાજી પછી અંબાજી મંદિરમાં ભાવિક ભકતો માટે ટ્રસ્ટ દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે આ મંદિરમાં પણ ટુંકા વસ્ત્રો પહેરીને પ્રવેશ કરવો નહી. મંદિરના પ્રવેશદ્વારે બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. આ પહેલા શામળાજી મંદિરમાં પણ ટુંકા વસ્ત્રો પહેરીને આવનારા ભકતો માટે પ્રવેશ પ્રતિબં લગાવવામાં આવ્યો હતો. આ આદેશનું પાલન પુરૂષ અને મહિલાઓએ કરવાનું રહેશે.