ઉત્તરાખંડના દેવપ્રયાગમાં દારૂની ફેક્ટરી મામલે એક તરફ વિરોધ તેજ થઈ રહ્યો છે, તો બીજી તરફ રાજ્યની રાવત સરકારને સમર્થન પણ મળી રહ્યું છે. આ મુદ્દા પર ત્રણ ટર્મ ભાજપના ધારાસભ્ય રહેલા અને હવે મહિલા પંચના અધ્યક્ષ વિજયા બડથ્વાલે સરકારની તરફદારી કરતા કહ્યુ છે કે પ્રતિબંધ યોગ્ય નથી. દારૂ ગમે ત્યાંથી લાવીને પણ પીવામાં આવશે. અહીં એક દારૂની ફેક્ટરીના મુદ્દો રાજકીય રંગ લઈ રહ્યો છે. તાજેતરમાં પુરોગામી કોંગ્રેસ સરકારમાં મુખ્યપ્રધાન રહેલા હરીશ રાવતે સીએમને લોકોની ભાવનાઓનો ખ્યાલ રાખવાની અપીલ કરી હતી.
મહિલા પંચના અધ્યક્ષ વિજયા બડથ્વાલે તાજેતરમાં મહિલા સશક્તિકરણ પર આયોજીત એક કાર્યક્રમમાં સામેલ થયા હતા. અહી પત્રકારોએ તેમને દારૂની ફેક્ટરી પર ચાલી રહેલા વિવાદને લઈને સવાલ પુછયો હતો. તે વખતે તેમણે કહ્યુ કે રાજ્યમાં દારૂ પર પ્રતિબંધ સમાધાન નથી. દારૂ પીનારા તો ગમે ત્યાંથી લાવીને પીશે. દારૂ પીનારા પાડોશી રાજ્ય યુપી, હિમાચલથી લાવીને પીશે. જો આમ થવાનું છે, તો તેનાથી સારું છે કે આ રાજ્યમાં દારૂ બને.
તેમણે કહ્યુ છે કે આ દારૂ પીવાનું સમર્થન બિલકુલ નથી. બડથ્વાલે કહ્યું છે કે દારૂ પ્રતિબંધિત કરી દેવાથી કામ ચાલવાનું નથી. તેને રોકવા માટે જાગરૂકતા ફેલાવવી પડશે. માત્ર વિરોધ કરવો યોગ્ય નથી. તેની સાથે જ તેમણે સવાલ કર્યો કે અહીંના લોકો પહેલા દારૂ પીતા ન હતા? જો પીતા રહે છે, તો પછી માત્ર ફેક્ટરીનો વિરોધ કેમ કરવામાં આવે છે?
મહત્વપૂર્ણ છે કે રેકોર્ડ્સ પ્રમાણે લગભગ ત્રણ વર્ષ પહેલા 2016માં ટિહરી જિલ્લાના ડુડવા-ભાંડલી ગામમાં દારૂની ફેક્ટરી લગાવવાનું લાઈસન્સ એક કંપનીએ લીધું હતું. જો કે તેનું કામ થોડાક સમય પહેલા જ શરૂ થયું હતું. તેના અહેવાલો આવ્યા બાદ વિરોધ શરૂ થઈ ગયો. ફેક્ટરીના વિરોધમાં લોકો સોશયલ મીડિયા પર કેમ્પેન પણ ચલાવી રહ્યા છે.