Site icon hindi.revoi.in

યાસિન મલિકને મકબૂલ બટ અને અફઝલ ગુરુની જેમ ફાંસી મળી શકશે?

Social Share

1984ના શીખ વિરોધી હુલ્લડના કેસો અને 2002ની ગુજરાતની કોમવાદી ઘટનાઓના મામલામાં કેસ ચાલી રહ્યા છે, ત્યારે જમ્મુ-કાશ્મીરમાં કોમવાદી કટ્ટરવાદી-આતંકવાદી-ભાગલાવાદી અને બિનમુસ્લિમો-મુસ્લિમો સામેના જઘન્ય અપરાધોના ગુનેગારોને પણ કાયદાકીય રીતે સજા કેમ મળી રહી નથી, તેનો સવાલ ઘણાં ભારતીયોના દિલોદિમાગમાં ઘોળાઈ રહ્યો છે.

પરંતુ ન્યૂ ઈન્ડિયામાં આવેલા પરિવર્તનમાં પાંચમી ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાં કલમ-370નું અસરહીન થવું એક મોટો બદલાવ હતો. તેના પછી એક સમાચાર આવ્યા કે 30 વર્ષ બાદ શ્રીનગરમાં હત્યાના એક મામલાની સુનાવણી શરૂ થવાના. આ હત્યાનો મામલો બિલકુલ સામાન્ય નથી. 1990ના પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા 25 જાન્યુઆરીએ શ્રીનગરના બહારી વિસ્તારમાં ભારતીય વાયુસેનાના ચાર કર્મચારીઓની હત્યાનો મામલો છે. આ મામલાનો મુખ્ય આરોપી યાસિન મલિક છે. યાસિન મલિક જમ્મુ-કાશ્મીર લિબરેશન ફ્રન્ટનો ચીફ છે અને હાલ ટેરર ફંડિંગના મામલે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. યાસિન મલિક એક ભૂતપૂર્વ આતંકવાદી છે અને હવે ભાગલાવાદી નેતા છે. તેની એનઆઈએ દ્વારા અયોગ્ય રીતે બહારથી નાણાં લઈને પથ્થરબાજોની ઉશ્કેરણી કરવાના મામલે ધરપકડ કરવામાં આવી હતી.

રુબિયા સઈદના કિડનેપિંગનો આરોપ

યાસિન મલિક પર 1989માં તત્કાલિન કેન્દ્રીય પ્રધાન મુફ્તિ મુહમ્મદ સઈદની પુત્રીના અપહરણનો પણ આરોપ છે, પરંતુ થોડા દિવસ પહેલા જેકેએલએફ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો, તો તેનો વિરોધ કરનારા લોકોમાં રુબિયા સઈદની બહેન અને મુફ્તિ મુહમ્મદ સઈદની બીજી પુત્રી અને જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન મહબૂબા મુફ્તિ પણ સામેલ હતા. યાસિન મલિકના જેકેએલએફ પર પ્રતિબંધને ખોટો ગણાવીને મહબૂબાએ કહ્યું કે જો તે સત્તામાં આવશે, તો જેકેએલએફ પર લગાવવામાં આવેલા પ્રતિબંધને તે હટાવી દેશે. ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ફારુક અબ્દુલ્લા પણ યાસિન મલિકના પ્રશંસકોમાં સામેલ છે. યાસિન મલિક કાશ્મીર મામલાનો એક પક્ષ હોવાનું મહબૂબા મુફ્તિ અને ફારુક અબ્દુલ્લા માની રહ્યા છે. આવું માનનારા કાશ્મીર અને દિલ્હી એમ બંને જગ્યાએ છે.

4 વાયુસેનાકર્મીઓની હત્યાનો આરોપ

વાયુસેનાના ચાર કર્મચારીઓની હત્યાના મામલાની તપાસ કરતા સીબીઆઈએ ઓગસ્ટ – 1990માં જ જમ્મુની ટાડા કોર્ટમાં યાસિન મલિક વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. પરંતુ 1995માં જમ્મુ-કાશ્મીર હાઈકોર્ટની એકલ ખંડપીઠે એમ કહેતા મલિક સામે સુનાવણીમાં રોક લગાવી દીધી હતી કે શ્રીનગરમાં ટાડા કોર્ટ નથી. તેની સાથે જ રુબિયા સઈદના અપહરણના મામલાની સુનાવણી પણ અટકી ગઈ હતી. આ મામલામાં સપ્ટેમ્બર-1990માં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. કોઈ જાણતું નથી કે આ મામલાની સુનાવણી કેટલી આગળ વધી? આખરે કોઈ વાયુસેનાના ચાર કર્મચારીઓની હત્યાની અવગણના કેવી રીતે કરી શકાય?

યાસિન મલિક પર ટાડા હેઠળ મામલાની સુનાવણી પર રોકનો આદેશ હાઈકોર્ટની એકલ ખંડપીઠે આપ્યો હતો, તેને સરળતાથી પડકારી શકાય તેમ હતો. પરંતુ આમ થયું નહીં. જમ્મુની ટાડા કોર્ટમાં આ મામલાની સુનાવણી થઈ શકે તેમ ન હતી, તો કોઈ અન્ય કોર્ટમાં તેની સુનાવણી થઈ શકે તેમ હતી. દુર્ભાગ્યે આમ થયું નહીં.

યાસિન મલિકની સામેના ચાર વાયુસેનાકર્મીઓની હત્યા અને રુબિયા સઈદના અપહરણના મામલાને કોલ્ડબોક્સમાં ચાલ્યા જવાનું એક કારણ અનુચ્છેદ-370 અને તેને લઈને ચાલનારા રાજકારણમાં હોઈ શકે. યાસિન મલિકે બાદમાં કથિતપણે હિંસાનો માર્ગ છોડી દેવાનું એલાન કર્યું હતું. પરંતુ તેથી શું? તેના ગુનાની તો તેને સજા મળવી જ જોઈએ.

યાસિન મલિકને ગાંધીવાદી ગણાવાયો!

કેટલાક લોકો યાસિન મલિકને ગાંધીવાદી પણ ગણાવવા લાગ્યા હતા. તેના પછી તે હુર્રિયત કોન્ફરન્સનો હિસ્સો બનીને કાશ્મીરના મામલે કેન્દ્ર સરકાર સાથેની વાતચીતોમાં પણ સામેલ થવા લાગ્યો હતો. કાશ્મીર ખીણમાંથી 3.5થી 4 લાખ કાશ્મીરી પંડિતોના પલાયનમાં પણ યાસિન મલિક અને તેના આતંકી-ભાગલાવાદી સાથીદારોની મોટી ભૂમિકા હતી. યાસિન મલિક પાકિસ્તાનમાં ટ્રેનિંગ પણ લઈ ચુક્યો છે. તેમ છતાં તેને કાશ્મીર સમસ્યામાં સહાયક માની લેવાની બાબત ભારતની કૂટનીતિમાં કોઈ આશ્ચર્યથી કમ નથી.

યાસિન મલિકને દેશની બહાર જવાની મંજૂરી મળવા લાગી, ટેલિવિઝન ચેનલોમાં વિશેષજ્ઞ તરીકે રજૂ થવા લાગ્યો હતો. દૂરદર્શન પર લાઈવ ડિબેટમાં અભિનેતા અને ભારતરત્ન દિલીપકુમાર સાથે યાસિન મલિકની મારામારી પણ દુનિયાએ જોઈ છે. પણ હત્યા, અપહરણ અને કાશ્મીરી પંડિતોના પલાયનમાં ભૂમિકા ધરાવતા યાસિન મલિકને માનવાધિકારોના મસીહા તરીકે રજૂ કરીને તેને કાશ્મીરી યુવાનો માટે રોલ મોડલ તરીકે રજૂ કરવામાં આવ્યો હતો.

યાસિન મલિકે પાકિસ્તાનમાં ભારતમાં મોસ્ટ વોન્ટેડ પાકિસ્તાની આતંકવાદી હાફિઝ સઈદ સાથે અનશનમાં મંચ શેયર કર્યું હતું. તેની પાકિસ્તાની પત્ની અવાર-નવાર યાસિન મલિકના મામલે ભારત સામે બેફામ ટીપ્પણીઓ પણ કરતી રહે છે. જ્યારે 30 વર્ષ બાદ યાસિન મલિક સામે વાયુસૈન્યકર્મીઓની હત્યાના મામલે કેસ ચાલવાના સમાચાર આવ્યા ત્યારે પીડિતોના પરિવારોને ન્યાયની આશા જાગી હતી.

1990માં શ્રીનગરમાં માર્યા ગયેલા વાયુસેનાના ચાર કર્મચારીઓમાંથી એક સ્ક્વોર્ડન લીડર રવિ ખન્ના પણ સામેલ હતા. તેમના પત્નીના જણાવ્યા પ્રમાણે 30 વર્ષ બાદ તેમને એક આશાનું કિરણ દેખાયું છે. પરંતુ સવાલ એ છે કે 1995થી 2019 સુધી યાસિન મલિક સામેનો મામલો કોલ્ડ બોક્સમાં કેમ પડયો રહ્યો?આવા કેટલાય બીજા મામલા છે. ત્યારે સવાલ એ પણ છે કે યાસિન મલિકને ભારતના કાયદા પ્રમાણે ફાંસીના તખ્તા સુધી પહોંચાડવામાં આવશે? શું પાકિસ્તાની પપેટ યાસિન મલિકને મકબૂલ બટ અને અફઝલ ગુરુની જેમ ફાંસી મળી શકશે?

Exit mobile version