
પોલીસ સ્ટેશનોની બહાર લગાવેલા ચાઈનીઝ મોબાઈલ કંપનીના સાઈન બોર્ડ ઉતારાશે ?
અમદાવાદઃ ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ વચ્ચે ચીની સેનાએ કરેલા હુમલામાં ભારતના 20 જવાનો શહીદ થયાં હતા. જેથી દેશની જનતામાં રોષની લાગણી ફેલાઈ છે. તેમજ ચીનની વસ્તુઓના બહિષ્કારનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન તાજેતરમાં ભારત સરકારે ચીનની લગભગ 59 મોબાઈલ એપ્લિકેશન ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. ત્યારે વડોદરા શહેરના પોલીસ સ્ટેશનો ઉપર લગાવવામાં આવેલા ચાઈનીઝ મોબાઈલ કંપનીઓની જાહેરાતના સાઈન બોર્ડ ઉતારી લેવામાં આવ્યાં છે. ત્યારે રાજ્યભરમાં સરકારી ઈમારતો ઉપર લગાવવામાં આવેલી ચાઈનીઝ વસ્તુઓની જાહેરાતના બોર્ડ ઉતારી લેવાની માંગણી ઉઠી છે. ત્યારે આગામી દિવસોમાં ચાઈનીઝ વસ્તુઓની જાહેરાતના આવા બોર્ડ ઉતારી લેવામાં આવે તેવી શકયતાઓ જોવાઈ રહી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર વડોદરાના યુવાનો દ્વારા પોલીસ સ્ટેશનનો સહિત સરકારી ઇમારતો ઉપર લગાવવામાં આવેલા ચાઈનીઝ મોબાઇલ કંપનીઓના સાઇન બોર્ડ ઉતારી લેવાની માંગ ઉઠી હતી. એટલું જ નહીં વડોદરા પોલીસ કમિશનરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. ત્યારે હવે સરકારી ઇમારતો પરથી ચાઈનીઝ કંપનીઓના બોર્ડ હટાવવાની કવાયત શરૂ કરવામાં આવી છે. તેમજ વડોદરાના રાવપુરા પોલીસ સ્ટેશન બહાર લગાવવામાં આવેલુ ચાઈનીઝ કંપનીની જાહેરાતનું સાઈન બોર્ડ ઉતારી લેવાયું હતું. તેમજ આગામી દિવસોમાં આ કાર્યવાહી રાજ્યભરમાં કરવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સીમા વિવાદ વચ્ચે ચીન સેનાના હુમલામાં 20 ભારતીય જવાનો શહીદ થયાં છે. ત્યાર બાદ ભારત સરકારે આકરૂ વલણ અપનારીને ચાઈનીઝ કંપની સામે કાર્યવાહી શરૂ કરી છે. તેમજ હાઈવે પ્રોજેક્ટ સહિતના કોન્ટ્રાક્ટમાંથી ચાઈનીઝ કંપનીઓને દૂર કરવામાં આવી છે.