– ડૉ. અતુલ ઉનાગર
સર્જન તો જ શક્ય છે જો તે તેના બુનિયાદી સિદ્ધાંત પર નિર્ભર હોય. આ પાયાની ગણાતી અને અતિ આવશ્યક બાબતને ગંભીરતાથી સમજવી અને પચાવવી ખૂબજ જરૂરી છે. અન્યથા પાયા વિનાની ઈમારત જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. એ સદા સર્વદા સિદ્ધ જ છે કે પાયા વિનાની ઈમારત ક્યારે પત્તાના મહેલની જેમ પડી ભાંગે તે કહેવું મુશ્કેલ છે.
આપણે સૌ એ બાબતથી સુવિદિત છીએજ કે આપણા માથે કોઈ ખાસ કામનું ઉત્તરદાયિત્વ છે. હવે સૌ કોઈને એ પ્રશ્ન સ્વાભાવિક પણે થશે જ કે આવડા મોટા વિશ્વમાં મારા માટે ક્યું ખાસ કામ હશે? આની તપાસ આપણા સૌના માટે અનિવાર્ય છે. અન્યથા દિશા વિહોણા નાવિકના જેવી સ્થિતિ થશે, આમ તેમ ભટકતા રહીશું અને અંતે હાથમાં કંઈ જ નહીં આવે. આપણે સમજીએ છીએ કે લક્ષ્ય વિનાનો નાવિક વિશાળ સમુદ્રમાં ગમે તેટલી સફળ કરે પણ તેનો કોઈ મતલબ નથી. યાત્રાની શરૂઆત પહેલાં બરાબરની સ્પષ્ટતા હોવી અનિવાર્ય છે. આથી સર્જનના મૂળ કામની પૂરતી સમજ હોવી અત્યંત જરૂરી છે.
આપ જે કામ માટે બન્યા છો તેની શોધ કરવી કેટલી સરળ અને સહજ છે તે અહીં સાબિત થઈ જશે. સૌ પ્રથમ એક પાયાના પ્રશ્નનો જવાબ શોધીએ, જેમ કે આપણે ખુશખુશાલ ક્યારે હોઈએ છીએ? બીજા શબ્દોમાં કહીએ તો પરમ આનંદ ક્યારે પ્રાપ્ત થાય છે? આનો જવાબ સીધોસાદો જ છે, ‘ગમતું મળે ત્યારે’. આ ઉત્તર જ બધું કહી જાય છે. હાં ગમતું અને મનપસંદ મળે તો જીવનમાં કોઈ ખેદજ રહેતો નથી. બીજો પ્રશ્ન એ છે કે સંતોષ ક્યારે અનુભવીએ છીએ? આનો પણ જવાબ સીધોસાદો છે. ‘મનપસંદ કે ધાર્યું પરિણામ કે ફળ મળે તો’. ઉપર્યુક્ત બન્ને પ્રશ્નોનો સંયુક્ત ઉત્તર એટલે… આપણને ગમતું કામ મળે અને તે કામ આપણી ધારણા પ્રમાણે પૂર્ણ થાય તો આપણને પરંમ આનંદ અને મહાન સંતોષની અનુભૂતિ થાય.
જો વ્યક્તિને ગમતું કામ નહીં મળે તો કામને અને વ્યક્તિ બન્નેને અન્યાય થશે. જરા વિચારો એક ઉત્તમ ખેલાડીને જો ચિકિત્સક બનાવી દેવામાં આવે તો? શું પરિણામ આવશે? થશે એવું કે ખેલ જગત એક શ્રેષ્ઠ રમતવીર ગુમાવશે અને ચિકિત્સા ક્ષેત્રમાં અણગમો ધરાવતો વૈદ્ય જિંદગીભર ચિકિત્સા જેવા અતિ આવશ્યક અને અનિવાર્ય કાર્યને અન્યાય જ કર્યા કરશે.
આવી જ રીતે કોઈ કવિને ક્લાર્ક બનાવી દેવામાં આવે તો? અમરેલીના મહાન કવિ રમેશ પારેખ પહેલાં એક ક્લાર્ક જ હતા. અહીં ઉદાહરણ પરથી એ સ્પષ્ટ થાય છે કે ગમતું કામ ન મળવાને કારણે કામ અને વ્યક્તિ એમ બન્નેને સ્વાભાવિક રીતે જ નુકસાન સહેવું પડે છે.
એકવાર કલ્પના કરીએ કે દરેક વ્યક્તિને તેની પ્રકૃતિને અનુરૂપ મનગમતું પ્રિય કામ મળી જાય તો? નિઃસંદેહ તે દરેક વ્યક્તિ સુખી અને સંતુષ્ટ જ રહેશે. પ્રકૃતિનો એજ નિયમ છે કે સુખી અને સંતુષ્ટ વ્યક્તિ ક્યારેય દુરાચારી હોય જ નહીં. અને જો આવું બને તો દેશ – દુનિયાનાં મહાદુષણો જડમૂળથી દૂર થશે. કોઈ વ્યક્તિ વિશ્વમાં દુરાચારી રહેશે જ નહીં. અને આમ આખરે સમાજમાં કોઈ ફરીયાદી જ નહીં રહે. હું તો ત્યાં સુધી કહું છું કે કોઈ અપરાધી જ નહીં રહે.
જો દરેકને પોતાની આવડતને અનુરૂપ પ્રિય કાર્ય મળે તો બધાજ માણસોની કિંમત થાય અને તેના વ્યક્તિત્વને પૂરતો ન્યાય મળેશે. શું આવી રીતે પોતાને ગમતાં કાર્યો દ્વારા એક શ્રેષ્ઠ ભારતની કલ્પના થઈ શકે ખરી? પણ હા આ કાર્ય કરનારનું માનસ સેવા જ હોવું જોઈએ.
મારો આગ્રહ છે કે જો આપનું કોઈ પ્રિય અને ગમતું કામ હોય અને તે મળતું ના હોય તો, મીરાંબાઈની જેમ બળવો કરીને પણ પોતાને ગમતું જ સર્જનાત્મક કામ કરવું જોઈએ. મીરાંબાઈએ જીવનમાં પોતાને ગમતો ભક્તિ માર્ગ પસંદ કર્યો તેને કારણે જ આજે તેનું નામ અમર છે. લોકો રાણાની મીરાં એમ નહીં, પણ ભગવાન કૃષ્ણની ભક્ત મીરાં એવી રીતે અમર ઓળખ થઈ છે. આપણે સૌ જાણીએ જ છીએ આજે વિશ્વમાં મીરાંબાઈનાં ભક્તિ કાવ્યો વિખ્યાત છે.
અહીં તેનો પણ પૂરતો ખ્યાલ રાખવો જોઈએ કે, મીરાંએ ગમતું કામ કરવા ભોગ-વિલાસની સુખી જિંદગીને છોડી દીધી. મીરાંને ગમતું કામ કે તેને જેમાં આનંદ અને સંતોષ બન્ને હતા તેવો કષ્ટકારક કંટકોથી ભરેલો દુઃખદ માર્ગ પસંદ કર્યો. આ નિતાંત સત્ય છે કે મીરાંબાઈને અંતિમ મંજિલ સુધી ક્યારેય પણ પસ્તાવો થયો ન હતો.
આપ ખરેખર કોઈ સર્જનાત્મક્તા તરફ આગળ વધી રહ્યા છો કે નહીં તેની તપાસ કરી લો. અમુક સવાલો જાતને પૂછો, જેમ કે…
• શું આપની પાસે એવું કોઈ કામ છે ખરું કે જે આપને ખૂબજ ગમતું હોય?
• એ કામ આપને જીવનની ક્ષણે ક્ષણે પરમ આનંદની પ્રાપ્તિ કરાવતું હોય?
• આપના પ્રિય આ કામથી મહાન સંતોષની અનુભૂતિ પણ થતી હોય?
• આ કામ કરવાથી આપને કામ કર્યાનો થાક અનુભવાતો ન હોય?
• એ કામ જે આપના ઉત્સાહમાં સતત વધારો કરતું હોય?
• તે કામ જે આપ કરવા ખાતર નહીં પણ ઈચ્છાથી કરતા હોય?
• કોઈએ થોપી બેસાડ્યું છે એવી ક્યારેય ફરિયાદ નહીં, પણ મેં જાતેજ સ્વીકારેલું છે એવો અનુભવ થાય છે?
ઉપર્યુક્ત પ્રશ્નોના જવાબો સ્વયં પાસેથી શોધો. આપ સાચું જીવન જીવી રહ્યા છો કે નહીં તેનો ઉત્તર આપો આપ મળી જશે. આપના જીવનની પ્રવૃત્તિઓ યોગ્ય દિશામાં થઈ રહી છે કે નહીં તેની ખાતરી થઈ જશે. લક્ષ્ય અને પ્રયાણ યોગ્ય દિશામાં હશે તો સર્જન નિશ્ચિત જ છે. આપણા માનસનું ચિત્ર સ્પષ્ટ હોવું જરૂરી છે.
આપને આપના જીવનનાં વર્તમાન કાર્ય, કે પરિશ્રમથી આનંદ અને સંતોષ ના થતો હોય તો આપ આપનું વર્તમાન કામ બની શકે તેટલું ઝડપથી બદલી નાખો. અને આપ એવું કામ શોધો જે આપને ખૂબજ ગમતું હોય, જે પરમ આનંદ અને ખુશી અપાવતું હોય, કામ પૂર્ણ કર્યાંના અંતે સંતોષ પણ થતો હોય. આ શોધ એટલે પુનર્જન્મ….