Site icon hindi.revoi.in

કેળવણી-04: વ્યક્તિને સફળ બનાવનારું શ્રેષ્ઠ તત્ત્વ દરેકને કેમ નથી મળતું?

Social Share
ડૉ. અતુલ ઉનાગર
          આ જગતમાં દરેકને મહાન બનવાનો અધિકાર છે. આ સૃષ્ટિનો નિયમ છે. દરેક મનુષ્ય પોતાના જીવનમાં કંઈક ખાસ કરવા ઈચ્છે તો છે પણ દરેકને માટે આ સંભવ બનતું નથી. તો એવું તો શું ખૂટે છે કે વ્યક્તિ સફળ નથી થઈ શકતી. અત્ર તત્ર સર્વત્ર સકારાત્મક ઊર્જા વિદ્યમાન છે. સફળ થવા માટે અનેક અવસરો ઉપલબ્ધ હોય છે. પોતાના જીવનને શ્રેષ્ઠતમ બનાવવા માટે અનેકવિધ આયામો આપણી આજુબાજુ હાજર જ હોય છે છતાં પણ માણસ તેનાથી અળગો કેવી રીતે રહે છે?
           વ્યક્તિને સફળ બનાવનારું શ્રેષ્ઠ તત્ત્વ દરેકને કેમ નથી મળતું? આ બુનિયાદી પ્રશ્નનો સીધો જ ઉત્તર હોઈ શકે  ‘પાત્રતા’. આ પાત્રતા શબ્દના સમાનાર્થી શબ્દો છે યોગ્યતા કે લાયકાત. આ પાત્રતા   શબ્દને બરાબર સમજવો ખૂબજ આવશ્યક છે. પાત્રતા એટલે હોવાપણું જેને આપણે વિચાર, વાણી અને વર્તનનો સંગમ કહીંએ છીએ. હોવાપણું એ પરિપક્વતાનું સ્વરૂપ છે. બીજા શબ્દોમાં કહીએ તો જે વ્યક્તિ ચરિત્રથી એટલે કે શીલથી દૈદિપ્યમાન હોય તે વ્યક્તિત્વને પાત્રતા કહીશું.
         આપણે ચરિત્ર, હોવાપણું, પાત્રતા, શીલ વગેરે શબ્દોને વારંવાર સાંભળતા આવીએ છીએ. આ ભારે ભારે જણાતા મહાન શબ્દોને સરળ અને સહજ શૈલીમાં સમજવાનો પ્રયાસ કરીએ. તે માટે વ્યક્તિનું અનિયંત્રિતપણું સમજવું જરૂરી છે. વ્યક્તિનું પોતાના પરનું અનિયંત્રણ જ વ્યક્તિને પોતાની જાતને ઓળખવામાં વિધ્નરૂપ બને છે. વાસ્તવિકતા એવી છે કે જે પોતાની શક્તિઓને બરાબર ઓળખી કાઢે છે તેના માટે એક પણ કાર્ય અસંભવ રહેતું જ નથી.
          આ અનિયંત્રિત એટલે આમ તેમ ભટકતું અંકુશ વગરનું બે કાબુ જીવન. મંદિર પરની ધજા જેમ પવનની ગુલામ બનીને આમતેમ દરેક દિશામાં ફરક્યા કરે છે તેવીજ હાલત અનિયંત્રિતોની હોય છે. વિશાળ દરિયામાં ચાલક (ચેતન) વિનાની નાવડી (જડ) આમતેમ ચાલતી રહે છે, તેવી હાલત અનિયંત્રિતોની હોય છે, તે જડ પદાર્થોની જેમ આમતેમ ગતિ કરતો નજરે આવે છે.
       આ અનિયંત્રિતો અંકુશ વિનાના હાથી કે લગામ વિનાની ઘોડી જેવા જ હોય છે. તે ઈન્દ્રિયોના ગુલામ હોય છે. ઈન્દ્રિયોની જે મરજી હોય છે તેને જ જુએ, તે જ વિચારે, તેજ ખાય, તે જ સાંભળે. આમ પોતાની જાત ઈન્દ્રિયોની ગુલામ હોય છે. એક ઈન્દ્રિ પકોડીની લારી બતાવે તો બીજી તેને ખાવાની ઈચ્છા કરે છે, ત્યારે ગુલામ અનિયંત્રિત માણસ તુરંત પકોડી ખાઈ લે છે. આવી જ રીતે કોલ્ડ્રિંકસ પીવાની ઈચ્છા થવી અને તુરંત પી લેવું. ઈન્દ્રિયોની ચંચળતાની ગુલામીને કારણે તીખું, તળેલું, તમતમતું, ચટાકેદાર, અતિ વિકૃત અને અસંસ્કૃત ભોજનનું વ્યસન બની જાય છે. અનિયંત્રિતોનાં વ્યસનો અનેક પ્રકારનાં હોય છે.
        અનિયંત્રિત વ્યક્તિઓ ઈન્દ્રિયજન્ય સુખોની આપૂર્તિ માટે જ જીવનભર આમતેમ દોડતા રહે છે. યેનકેન પ્રકારે તે ઇન્દ્રિયોની ઘેલછાને વશીભૂત થઈને જીવનનાં દરેક કાર્યો આચરે છે. આ લોકોને અન્ય પ્રાણીઓની જેમ આહાર, નિદ્રા, ભય અને મૈથુન સિવાય અન્ય કંઈ ખાસ બાબતો સાથે લેવાદેવા હોતી નથી. તેને આ ચરાચર જગતની ઘટનાઓ સાથે કંઈ નિસ્બત હોતી જ નથી. માત્ર ભોગ – વિલાસી જીવન, હેતુ વગરનું વાસનાઓથી ભરેલું હોય છે. માણસ જો ઈન્દ્રિયોને વશ થયેલો હોય અને જુદા જુદા વિષયોમાં અટવાયેલો રહે તો પછી સફળ બનાવનારું શ્રેષ્ઠ તત્ત્વ તેની પાસે કેવી રીતે આવે?
        પોતાની જાત પર પોતાનું નિયંત્રિણ ના હોવાને કારણે તેની આસપાસ ઘણીબધી ઉત્તમ પ્રવૃત્તિઓ ચાલતી હોવા છતાં તે તેમાં સહભાગી થઈ શકતો નથી. તે ગામની પુસ્તકાલયમાં જવા કરતાં પાન-માવાના ગલ્લા પર બેસીને ટાઈમ વેડફવાનું પસંદ કરશે. નિરંકુશી બની રહેનારા માણસો પૂંછડાં અને શિંગડાં વિનાનાં પશુઓ સમાન છે. એક કહેવત છે ભેંસ આગળ ભાગવત અર્થાત્ અનિયંત્રિતોને સાચાં તત્ત્વની કોઈ જ કિંમત હોતી નથી.
          આ અનિયંત્રિતોને સૌથી પહેલાં તો તેને પોતાની જાત પર જ વિશ્વાસ નથી હોતો. તેને આ પ્રકૃતિના નિયમોમાં શ્રદ્ધા પણ નથી હોતી, ટૂંકમાં તે નાસ્તિક હોય છે. તેના જીવનનો કોઈ હેતુ કે મંજિલ હોતી નથી. એટલે પોતાના જીવનનું કોઈ મુલ્ય જ નથી. તેને પોતાની જાતને વિકસાવવાની ચિંતા જ નથી હોતી. પોતે જ્યાં છે ત્યાં જ ભલો એવું માનસ તૈયાર થઈ ગયું હોય છે. પોતાની જાતમાં શું ખૂટે છે તેનો તેને ખ્યાલ હોતો નથી. આવા લોકો ક્યારેય તાર્કિક હોતા જ નથી. તે કોઈપણ બાબતનું સમજ્યા વગર જ આંધળું અનુકરણ કરે છે. તે ગાડરીયા ટોળાનો એક ભાગ બની રહે છે. વેડફાતા જીવનનો તેને રતીભાર પણ રંજ હોતો નથી. પોતાના જીવનનું સંચાલન તેમણે બીજાને સોંપી દીધું હોય છે. એટલે કે ધૂતારાઓ તેના જીવનના માલિક બની બેઠા હોય છે. તે બીજાનાં સ્વપ્નો સાકાર કરવા માટે જીવતો હોય છે.
           પાત્રતા હોવી અર્થાત્ પોતે પોતાની જાતનો માલિક હોવું, જેને આપણે હોવાપણું કહીંએ છીએ. પાત્રતા હોવાનાં અમુક લક્ષણો આ પ્રમાણે છે. જેમ કે ઈન્દ્રિયો વશમાં હોવી. મન પર નિયંત્રણ હોવું. ચાલતા પ્રવાહોમાં તણાઈ ન જવું . વિચારો પર નિયંત્રણ હોવું,  વાણી પર નિયંત્રણ હોવું, આચરણ પર નિયંત્રણ હોવું. વેડફાતા સમય પર નિયંત્રણ હોવું, હેતુ વગરનાં કામો ન કરવાં, આહાર પર સંયમ હોવો, આંધળું અનુકરણ ના કરવું, કોઈ પણ બાબતને તાર્કિક બનીને ચકાસવી વગેરે…
            જીવન નિયંત્રિત છે તેના માપદંડો નીચે પ્રમાણે હોઈ શકે. જો નીચેની બાબતો તમે સહજ રીતે કરવા માટે સમર્થ છો તો, તમે તમારી જાત પર નિયંત્રણ ધરાવો છો તે સાબિત થાય છે. નીચેની આદતો એક વર્ષ માટે આચરણમાં મૂકી જુઓ. (૦૧) કોઈપણ સંજોગોમાં વહેલો ઊઠીને એક કલાક વ્યાયામ કરીશ.  (૦૨) શુદ્ધ, સાત્વિક, પવિત્ર, સુપાચ્ય, અવિકૃત અને પૌષ્ટિક જ આહાર લઈશ તથા પંદર દિવસે એક ઉપવાસ કરીશ. (૦૩) કોઈ પણ પ્રકારનાં આઈસક્રીમ જેવા ઠંડા પદાર્થો કે કોલ્ડ્રિંકસ જેવાં ઠંડાં પીણાં નહીં પીઉં. (૦૪) દરરોજ ઓછામાં ઓછું એક કલાક શ્રેષ્ઠ પુસ્તકનું વાચન કરીશ. (૦૫) દરરોજ એક કલાકથી વધારે ટીવી કે સોસિયલ મિડિયામાં સક્રિય નહીં રહું. (૦૬) દરરોજ સૂતા પહેલાં આગળના દિવસનું આયોજન અને આજે જીવાયેલા જીવનને ડાયરીમાં નોંધીશ. (૦૭) દરરોજ કોઈ એક સામાજિક સેવા કાર્ય કરીશ. (૦૮) દરરોજ કંઈક નવું શીખવા માટે એક કલાક ફાળવીશ. (૦૯) દરરોજ અડધો કલાક મૌન કે પ્રાર્થના કે પૂજા કે ધ્યાન કરીશ. (૧૦) આપના પક્ષેથી આપને જણાતું અત્યંત જરૂરી કાર્ય.
       ઉપર્યુક્ત ગણાવેલી દસ આદતો એક વર્ષ માટે આચરણમાં મૂકીને તપાસી જુઓ, એટલે આપની જાત પર આપનો સંયમ છે કે નહીં તે બાબત સાબિત થઈ જશે. આ શ્રેષ્ઠ આદતોના આચરણ થકી જ આપ મન અને ઇન્દ્રિયો પર વિજય મેળવી શકશો. ઈન્દ્રિયો પર જેમ જેમ વધુને વધુ વિજય મેળવતા જશો તેમ તેમ આપ ધીરે-ધીરે ચિતશુદ્ધિ તરફ આગળ વધતા જશો. શુદ્ધ ચિત્ત આજુબાજુ ઘટતી સકારાત્મક ઊર્જાઓને આકર્ષે છે. ઈન્દ્રિયો કહે તેમ આપ નહીં, પણ આપ કહો તેમ ઈન્દ્રિયો વર્તશે. આપ તેના નહીં પણ તે આપના નિયંત્રણમાં રહેશે. તે આપની પાસે નહીં પણ આપ તેની પાસેથી ધાર્યું કરાવી શકશો.
       આ સંપૂર્ણ યાત્રા જાત પર વિજય મેળવવાની છે. જે વ્યક્તિ પોતાની જાત પર વિજય મેળવી લે તે દુનિયાના કોઈપણ શિખર પર પહોંચી શકે છે. આ એક સાધના છે અને તે ખૂબજ પુરુષાર્થ માંગી લેતું કર્મ છે. ઈતિહાસ સાક્ષી છે ઋષિમુનિઓ, મહર્ષિઓ, યોગીઓ, સંતો-મહંતો વગેરે દિવ્ય પુરુષો આજ માર્ગે ચાલીને મહાનતાને પામ્યા છે. આવા દરેક ચરિત્ર સંપન્ન જે સાચું જીવન જીવનારાઓ છે તે વ્યક્તિઓને સફળ બનાવનારું શ્રેષ્ઠ તત્ત્વ મળતું જ હોય છે. હવે નક્કી આપે કરવાનું છે કે જડ બનીને જીવનને આમતેમ વેડફી નાખવું છે કે ચેતન બનીને હેતુ પૂર્વક જીવનને જીવી જાણવું છે. પસંદગી આપના હાથમાં જ છે.
Exit mobile version