નવી દિલ્હી: ભાજપ અધ્યક્ષ અમિત શાહના મોદી કેબિનેટમાં ગૃહ પ્રધાન બનવાનો અર્થ છે કે પાર્ટી હવે એક અન્ય યોગ્ય અધ્યક્ષની શોધખોળ કરશે. જેને કારણે હવે પાર્ટીમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહના ઉત્તરાધિકારી અને તેમની નિયુક્તિને લઈને અટકળો તેજ થવા લાગી છે. મોદી સરકાર-1માં આરોગ્ય પ્રધાન રહેલા જગતપ્રકાશ નડ્ડા અને રાજ્યસભાના સાંસદ ભૂપેન્દ્ર યાદવના નામ અમિત શાહના ઉત્તરાધિકારીની રેસમાં સૌથી આગળના ક્રમે ચર્ચાય રહ્યા છે.
મોદીના વડાપ્રધાન પદે શપથ લીધાના બે માસ બાદ જુલાઈ-2014માં અમિત શાહે રાજનાથ સિંહ પાસેથી ભાજપ અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળ્યો હતો. રાજનાથસિંહ 2014માં મોદી કેબિનેટમાં ગૃહ પ્રધાન બન્યા હતા. પરંતુ ત્યારે અને હવેની સ્થિતિમાં અંતર છે. કોઈપણ ભાજપ અધ્યક્ષનો કાર્યકાળ ત્રણ વર્ષનો હોય છે. રાજનાથસિંહ 2013માં નીતિન ગડકરી બાદ ભાજપ અધ્યક્ષ બન્યા હતા અને 2014માં પાર્ટીના પદ પરથી રાજીનામું આપ્યા બાદ તેમનો કાર્યકાળ સમાપ્ત થવામાં દોઢ વર્ષનો સમયગાળો બચ્યો હતો.
ભાજપના એક વરિષ્ઠ નેતાનું કહેવું છે કે આવી સ્થિતિમાં કોઈપણ ચૂંટણીની આવશ્યકતા નથી અને અમિત શાહને બાકીના કાર્યકાળ માટે પાર્ટીના નેતૃત્વ માટે પસંદ કરવામાં આવ્યા હતા. ભાજપની રાષ્ટ્રીય પરિષદે તેમની ચૂંટણી પુષ્ટિ કરી અને તેમણે પદભાર સંભાળ્યો હતો.
અમિત શાહે રાજનાથસિંહનો બાકીનો કાર્યકાળ પૂર્ણ કરીને જાન્યુઆરી-2016માં ફરીથી ભાજપના અધ્યક્ષ બન્યા હતા. તેમને કાર્યકાળ જાન્યુઆરી-2019માં પૂર્ણ થયો હતો. પરંતુ પાર્ટીએ તેમને ચૂંટણી સમાપ્ત થવા સુધી કાર્યવિસ્તાર આપવાનો નિર્ણય કર્યો હતો.
ભાજપના એક અન્ય નેતાએ કહ્યુ છે કે ફરી એકવાર રાષ્ટ્રીય અધ્યક્ષનો કાર્યકાળ સમાપ્ત થયા બાદ મંડળથી રાષ્ટ્રીય સ્તર સુધીના સદસ્યતા અભિયાન અને સંગઠનાત્મક ચૂંટણી થાય છે. રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી ત્યારે થાય છે, જ્યારે ઓછામાં ઓછા 50 ટકા રાજ્યોમાં ચૂંટણી સમાપ્ત થાય છે.
પાર્ટીને પોતાનું સદસ્યતા અભિયાન ફરીથી શરૂ કરવું પડશે અને તેમા ઓછામાં ઓછા બેથી ત્રણ માસ લાગશે. બીજા નેતાનું કહેવું છે કે મંડળ, જિલ્લા અને રાજ્ય સ્તર પર સંગઠનાત્મક ચૂંટણીમાં વધુ કેટલાક માસ લાગશે.
ભાજપના તાત્કાલિક પડકારોમાં હરિયાણા, મહારાષ્ટ્ર, ઝારખંડ અને કદાચ જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી છે.