Site icon Revoi.in

શ્રીલંકાના આત્મઘાતી હુમલાઓમાંથી એકનો માસ્ટર – માઈન્ડ ઝહરાન હાશિમ ઝાકિર નાઈકનો પ્રશંસક

Social Share

ખ્રિસ્તીઓના પવિત્ર તહેવાર ઈસ્ટરની ઉજવણી પ્રસંગે શ્રીલંકામાં ત્રણ ચર્ચો અને પાંચ હોટલોને નિશાન બનાવીને કરવામાં આવેલા આઠ વિસ્ફોટો આત્મઘાતી હુમલા હતા અને તેમા 300 જેટલા લોકોના જીવ ગયા હતા. જ્યારે 500 જેટલા લોકો ઘાયલ થયા હતા.

આ હુમલામાં કુલ સાત આત્મઘાતી હુમલાખોરોની ભૂમિકા શ્રીલંકા પોલીસને જાણવા મળી છે. આ આત્મઘાતી હુમલાખોરો શ્રીલંકન મુસ્લિમ હતા અને તેઓ નેશનલ તાહવીદ જમાત નામના સ્થાનિક મુસ્લિમ કટ્ટરવાદી જૂથ સાથે જોડાયેલા હોવાની આશંકા છે. આ આત્મઘાતી હુમલામાંથી એક શાંગ્રીલા હોટલ પરના આત્મઘાતી હુમલાનો માસ્ટરમાઈન્ડ અને સુસાઈડ બોમ્બર મૌલવી ઝહરાન હાશિમ હોવાનું મીડિયા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. મૌલવી ઝહરાન હાશિમ નેશનલ તાહવીદ જમાતનો અતિવાદી ભાષણો આપનારો ઈમામ હતો.

સીએનએનના અહેવાલ મુજબ, હાશિમ કોલંબો ખાતે ઈન્ડિયન હાઈકમિશનને એપ્રિલની શરૂઆતમાં નિશાન બનાવવા માંગતો હતો. પરંતુ આ મનસૂબા તેના કામિયાબ થઈ શક્યા નહીં. સીએનએન મુજબ, ચોથી એપ્રિલે હુમલાનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું.


સીએનએન મુજબ, શ્રીલંકા ખાતે ઈસ્ટરના રવિવારે થયેલા આત્મઘાતી હુમલામાંથી કેટલાકમાં બે આત્મઘાતી બોમ્બરો જવાબદાર હતા.

જો કે હાશિમનું નામ સોશયલ મીડિયામાં ચર્ચાવા લાગતા અલ ઝઝીરાના પત્રકાર સૈફ ખાલિદે તેના નામને અહેવાલમાં સામેલ કરતા મેઈન સ્ટ્રીમ મીડિયાને કથિતપણે ઈસ્લામોફોબિક ગણાવ્યું હતું.

અલ ઝઝીરા આમ તો કતાર સરકારની માલિકીની ન્યૂઝચેનલ છે.

નેશનલ તાહવીદ જમાતનો વંશવાદ અને ઈસ્લામિક શ્રેષ્ઠતાને લઈને કટ્ટરપણાનો ઈતિહાસ રહેલો છે. જુલાઈ-2017માં શ્રીલંકન પ્રેસ મુજબ, એજેટીના ટોચના પદાધિકારીઓને ભગવાન બુદ્ધ અને સિહાલી-બૌદ્ધિસ્ટ સમુદાયની સામે ઉતરતી ટીપ્પણીના કારણે કાર્યવાહી કરવામાં આવી હતી.

હાશિમના પણ ઘણાં વીડિયો યુટ્યુબ પર છે અને તેમા તે ઉશ્કેરણીજનક ટીપ્પણીઓ કરી રહ્યો છે.

એક વીડિયોમાં તે કહી રહ્યો છે કે શ્રીલંકન મુસ્લિમો ડૉ. ઝાકિર નાઈક માટે શું કરી શકે? ઝાકિર નાઈક મુંબઈ ખાતેની ઈસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશનનો પ્રમુખ છે અને તેના ભાષણો ઉશ્કેરણીજનક તથા આતંકવાદને પ્રોત્સાહીત કરનારા મનાય છે. ઝાકિર નાઈક હાલ ભારતની બહાર મલેશિયામાં રહેતો હોવાના મીડિયા અહેવાલ છે.