Site icon hindi.revoi.in

શાસ્ત્રીજીની 115મી જયંતી: જ્યારે લાલ બહાદૂરે નહેરુને કહ્યુ હતુ કે નહીં જઉ કાશ્મીર, જાણો શું હતું કારણ?

Social Share

આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સાથે જ આખો દેશ ભૂતપૂર્વ વડાપ્રધાન અને ખરા અર્થમાં લોકનેતા લાલ બહાદૂર શાસ્ત્રીની 115મી જયંતી મનાવી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત ઘણાં નેતાઓએ શાસ્ત્રીજીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે. 2 ઓક્ટોબર-1904ના રોજ યુપીના મુગલસરાયમાં જન્મેલા જય જવાન, જય કિસાનનું સૂત્ર આપનારા ભારતના બીજા વડાપ્રધાન લાલબહાદૂર શાસ્ત્રીએ પોતાના વિચારો અને સાદગી દ્વારા દેશવાસીઓના મનમાં અમિટ છાપ ઉભી કરી છે. તેમને આજે પણ દેશના સર્વશ્રેષ્ઠ જનહ્રદયસમ્રાટ વડાપ્રધાન તરીકે યાદ કરવામાં આવે છે. 11 જાન્યુઆરી, 1966ના રોજ તેમને મરણોપરાંત ભારતરત્નથી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

મુશ્કેલીઓમાં વીત્યું જીવન

બાળપણમાં જ શાસ્ત્રીજીના પિતાનું અવસાન થઈ ગયું હતું. જેના કારણે તેમનું બાળપણ ખૂબ જ ગરીબીમાં વીત્યું હતું. બાળપણમાં અભ્યાસ દરમિયાન શાસ્ત્રીજી ઘણા માઈલો સુધી ખુલ્લા પગે શાળાએ જતા હતા. ત્યાં સુધી ભીષણ ગરમીમાં જ્યારે સડકો વધારે ગરમ હતી, ત્યારે પણ તેમને આમ જ કરવું પડતું હતું. તેમની પાસે નદી પાર કરવા માટે નાણાં ન હતા, તો તે તરીને ગંગા નદી પાર સ્કૂલે જતા હતા.

બદલી લીધી હતી પોતાની જ્ઞાતિ

કાયસ્થ પરિવારમાં જન્મેલા લાલબહાદૂર શાસ્ત્રીનું બાળપણનું નામ નન્હે હતું. તેના પછી કાશી વિદ્યાપીઠમાંથી તેમને શાસ્ત્રીની પદવી મળી હતી અને તેમણે પોતાની અટક શ્રીવાસ્તવને હટાવીને શાસ્ત્રીનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું.

ગાંધીજીથી પ્રભાવિત હતા

ગાંધીજીએ અસહયોગ આંદોલનમાં સામેલ થવા માટે ભારતવાસીઓને હાકલ કરી હતી. તે સમયે લાલબહાદૂર શાસ્ત્રી માત્ર 16 વર્ષના હતા. તેમણે ગાંધીજીની હાકલ પર પોતાનો અભ્યાસ છોડી દેવાનો નિર્ણય કર્યો હતો. તેમના આ નિર્ણયે તેમની માતાની આશાઓ તોડી નાખી હતી. તેમના પરિવારે શાસ્ત્રીજીના આ નિર્ણયને ખોટો ગણાવ્યો, તેમને રોકવાની ઘણી કોશિશ કરી હતી. પરંતુ તેઓ આમા અસફળ રહ્યા હતા. લાલબહાદૂર શાસ્ત્રીએ પોતાનું મન બનાવી લીધું હતું. તેમના તમામ નજીકના લોકોને એ ખબર હતી કે એક વખત મન બનાવી લીધા બાદ તેઓ પોતાના નિર્ણયને ક્યારેય બદલશે નહીં, કારણ કે બહારથી વિનમ્ર દેખાતા લાલબહાદૂર શાસ્ત્રી અંદરથી બેહદ દ્રઢ હતા. જીવનમાં અનેક સંઘર્ષો છતાં 9 જૂન-1964ના રોજ શાસ્ત્રીજી ભારતના વડાપ્રધાન બન્યા હતા.

કાશ્મીર જવાનો કર્યો હતો ઈન્કાર

આ વાત 1962ની છે. તે સમયે શાસ્ત્રીજી અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહાસચિવ હતા. તે સમયે દેશના વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ હતા. તેમણે પાર્ટીના કોઈ મહત્વપૂર્ણ કામથી કાશ્મીર જવાનું હતું. પંડિત નહેરુએ શાસ્ત્રીજીને જવા માટે કહ્યુ, તો તેઓ સતત ઈન્કાર કરતા રહ્યા હતા. પંડિત નહેરુ પણ વિચારવા લાગ્યા કે તેઓ આમ કેમ કરી રહ્યા છે. પંડિત નહેરુ શાસ્ત્રીજીનું ખૂબ સમ્માન કરતા હતા. બાદમાં તેમણે ત્યાં નહીં જવા સંદર્ભે કારણ પછયું. પહેલા તો શાસ્ત્રીજી કારણ જણાવવા માટે રાજી થયા નહીં, પરંતુ ઘણું કહેવા પર તેમમે જે કંઈ કહ્યુ તેને સાંભળીને પંડિત નહેરુની પણ આંખોમાંથી આંસુ નીકળી ગયા. શાસ્ત્રીજીએ જણાવ્યુ કે કાશ્મીરમાં ખૂબ ઠંડી પડી રહી છે અને તેમની પાસે ગરમ કોટ નથી. પંડિત નહેરુએ તે સમયે પોતાનો કોટ તેમને આપી દીધો અને આ વાત કોઈને પણ જણાવી નહીં. લાલબહાદૂર શાસ્ત્રી જ્યારે વડાપ્રધાન બન્યા તો તે કોટને જ પહેરતા રહ્યા હતા.

પત્નીએ પોતાના પેન્શનથી જમા કર્યા કારના હફ્તા

શાસ્ત્રીજીની ઈમાનદારીનો અંદાજો એ વાતથી લગાવવામાં આવી શકે છે કે જેમણે 1965માં પોતાની ફીયાટ કાર ખરીદવા માટે પંજાબ નેશનલ બેંકમાંથી પાંચ હજાર રૂપિયાની લોન લીધી હતી. પરંતુ લોનનો એક હફ્તો પણ તેઓ ચુકવી શક્યા નહીં અને 1966માં શાસ્ત્રીજીનું તાસ્કંદ કરાર વખતે અવસાન થયું હતું. દેહાંત થઈ ગયા બાદ બેંકે નોટિસ મોકલી તો તેમના પત્નીએ પોતાના પેન્શનના રૂપિયાથી કાર માટે આપવામાં આવેલી લોન ચુકવવાનો વાયદો કર્યો અને પછી ધીરેધીરે બેંકના નાણાં ચુકતે કર્યા હતા.

શાસ્ત્રીજીના શાસનકાળમાં 1965નું ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું. આ યુદ્ધમાં પાકિસ્તાનની કારમી હાર થઈ હતી. જય જવાન-જય કિસાનનું સૂત્ર પણ લાલબહાદૂર શાસ્ત્રીજીએ આપ્યું હતું. તેમણે ખાદ્યાન્નની અછતને કારણે લોકોને અઠવાડિયામાં એક ટંક કે દિવસનું ભોજન છોડવાની અપીલ પણ કરી હતી. જૂની પેઢીના ઘણાં લોકો આજે પણ અઠવાડિયામાં એક દિવસ કે ટંકનું ભોજન છોડીને શાસ્ત્રીજીની વાતને અનુસરી રહ્યા છે.

લાલબહાદૂર શાસ્ત્રીજી રેલવે પ્રધાન હતા, ત્યારનો નૈતિકતાને અનુલક્ષીને એક કિસ્સો ઘણો મશહૂર છે. એક ટ્રેન અકસ્માત થયો હતો. આ ટ્રેન અકસ્માત બાદ રેલવે પ્રધાન તરીકે નૈતિક જવાબદારી લેતા શાસ્ત્રીજીએ પોતાના પ્રધાન પદેથી રાજીનામું આપી દીધું હતું.

મહત્વપૂર્ણ છે કે ભારતના લોકલાડીલા નેતા લાલબહાદૂર શાસ્ત્રીનું 1965ના યુદ્ધ બાદ તાશ્કંદ ખાતે પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ અયૂબ ખાન સાથે યુદ્ધ સમાપ્તિના કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ 11 જાન્યુઆરી, 1966ના રોજ રાત્રિના સમયે રહસ્યમયી પરિસ્થિતિઓમાં નિધન થયું હતું. દેશના લોકો શાસ્ત્રીજીની નેતૃત્વ ક્ષમતા પર ગર્વ કરે છે. રાષ્ટ્રભક્તિ માટે લાલબહાદૂર શાસ્ત્રી દેશના દરેક દિલોમાં હંમેશા જીવંત રહેશે.

Exit mobile version