અમદાવાદ: કોંગ્રેસના નેતા બનેલા હાર્દિક પટેલે ગૃહ પ્રધાન અમિત શાહને અભિનંદન પાઠવ્યા છે. હાર્દિક પટેલે કહ્યુ છે કે તેને ધમકી ભરેલા સંદેશા મળી રહ્યા છે. તેમા પુછવામાં આવે છે કે હવે તેના જેવા લોકોનું શું થશે, જે ભાજપની વિરુદ્ધ લડયા હતા. હાર્દિક પટેલે ટ્વિટમાં લખ્યું છે કે અમિત શાહ ગૃહ પ્રધાન બન્યા છે, માટે હું હાર્દિક શુભેચ્છા આપું છું. પરંતુ આજે કેટલાક ભક્તોના મેસેજ આવ્યા છે કે હવે તારું શું થશે હાર્દિક. મતલબ અમિત શાહના ગૃહ પ્રધાન બન્યા બાદ ભક્ત ઘણાં ખુશ છે. ભાજપની વિરુદ્ધ લડનારા અમારા જેવા યુવકોને મારી નાખવામાં આવશે? ચલો જેવી ભગવાનની ઈચ્છા!
અમિત શાહ મોદી સરકારની બીજી ટર્મમાં કેન્દ્રીય કેબિનેટમાં સામેલ થયા છે. જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન હતા, ત્યારે તેમની સરકારમાં અમિત શાહે ગૃહ મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળમાં અમિત શાહને ગૃહ પ્રધાન બનાવવામાં આવ્યા છે. ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના નેતા રહેલા હાર્દિક પટેલે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે ખૂબ પ્રચાર કર્યો હતો. ઓબીસી કેટેગરીમાં પાટીદારોને સામેલ કરવાને લઈને આંદોલન દરમિયાન હાર્દિક પટેલે અમિત શાહ પર આરોપ લગાવ્યો હતો કે તેમના ઈશારે રાજ્યમાં દેખાવકારો સાથે કડક વ્યવહાર થઈ રહ્યો છે.
હાર્દિક પટેલે પોતાના ટ્વિટમાં પુછયું છે કે શું અમિત શાહના ગૃહ પ્રધાન બન્યા બાદ તેના જેવા યુવાનોને મારી નાખવામાં આવશે. તેણે કહ્યુ છે કે ભાજપના અધ્યક્ષના ગૃહ પ્રધાન બનવાથી ભક્ત બેહદ ખુશ છે અને તેમને પુછી રહ્યા છે કે હવે તેનું શું થશે. લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપે શાનદાર દેખાવ કર્યો છે અને કોંગ્રેસના સૂપડાં સાફ કરી દીધા છે.
ગુજરાતની તમામ 26 બેઠકો ભાજપે જીતી છે. પરિણામ આવ્યા બાદ હાર્દિક પટેલે આના સંદર્ભે હેરાની દર્શાવી હતી. તેણે ટ્વિટમાં લખ્યું હતું કે કોંગ્રેસ નહીં, બેરોજગારી હારી છે. શિક્ષણ હાર્યું છે. ખેડૂતો હાર્યા છે. મહિલાઓનું સમ્માન હાર્યું છે. આમ જનતા સાથે જોડાયેલો દરેક મુદ્દો હાર્યો છે. એક આશા હારી છે. સાચું કહેવામાં આવે તો હિંદુસ્તાનની જનતા હારી છે. કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓની લડાઈને સલામ કરું છું. લડીશું અને જીતીશું.
મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં 26માંથી 26 બેઠકો ભાજપે જીત્યા બાદથી સોશયલ મીડિયા પર કોંગ્રેસના નેતા બનેલો હાર્દિક પટેલ નિશાના પર છે. જેને કારણે લોકસભાની ચૂંટણીના પરિણામો પછી ઘણાં સમય પછી હાર્દિક પટેલે ઉપરોક્ત ટ્વિટ કર્યું હતું. તેમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહના મોદી કેબિનેટમાં ગૃહ પ્રધાન બન્યા બાદ હાર્દિક પટેલ સામે વેધક શાબ્દિક પ્રહારો સોશયલ મીડિયા પર જોવા મળી રહ્યા છે.