Site icon hindi.revoi.in

કેળવણી-05: આપણને સમૃદ્ધ કે પાયમાલ કરવામાં શું કારણભૂત છે ?

Social Share
– ડૉ. અતુલ ઉનાગર
          સંસર્ગ નામની સમૃદ્ધિ એ એક વિશેષ સમ્પત્તિ છે. આ એક અમુલ્ય વારસો છે. ઇશ્વરે આપેલી એક વિશેષ ભેટ છે. વ્યક્તિ જ્યારે પોતાની જાતને વિવિધ માપદંડોથી મૂલવે છે ત્યારે તેને પોતાની સમૃદ્ધિનો અહેસાસ થાય છે. આપણે બધાં સામાજિકો છીએ સમાજની વચ્ચે રહીએ છીએ. અનેકવિધ લોકોનાં વર્તુળથી આપણે ઘેરાયેલા હોઈએ છીએ. સવારથી રાત સુધી અનેક પ્રકારના લોકોના સકારાત્મક અને નકારાત્મક વિચારોના ભોગ બનીએ છીએ. આ વિચારોની અસર આપણા અચેતન મનમાં સ્થાન પામે છે. જાણતાં કે અજાણતાં આપણને ખબર પણ નથી હોતી અને આપણે આવા વિચારોની કમાણી કરતાં હોઈએ છીએ. અર્થાત્ સંગ્રહ કરતાં હોઈએ છીએ. આપણું મનોબળ ગમે તેટલું મજબૂત હોવા છતાં આપણે સામેવાળા લોકોના વિચારોની અસરોને રોકી શક્તા નથી. ઈયળને પોતાના સંસર્ગથી ભમરીની જાત બદલી શકે છે.
         સંગ તેવો રંગ અને સોબત તેવી અસર આવી કહેવત આપણે સૌએ સાંભળી જ હશે? દાનેશ્વરી કર્ણ સર્વગુણસંપન્ન હતા પણ સોબત દુર્યોધન સાથે કરી તો પરિણામ શું આવ્યું? આપણે એક પ્રસિદ્ધ ભજન સાંભળતા આવ્યા છીએ જેમ કે, એક રે વેલાને બે બે તુંબડાં, એક રે તુંબડું સાધુના હાથમાં, બીજું રાવળિયાને ઘેર. ટૂંકમાં જેવી સંગતિ તેવી જ ગતિ.
           આ સિદ્ધાંતને કંઈક અલગ દ્રષ્ટિકોણથી ચકાસવાની કોશિશ કરીએ. દરેક વ્યક્તિ એક અલગ અવસ્થાએ પહોંચેલી હોય છે. હંમેશા વિકસતી વ્યક્તિની ઊંચામાં ઊંચી અવસ્થાને પામવાની યાત્રા ચાલુ જ હોય છે. આપણે બધાં પણ હાલ એક વિશેષ પ્રકારની અવસ્થામાં પહોંચી ગયા છીએ, આપણી વિકસવાની યાત્રા નિરંતર ચાલું જ હોય છે. આ યાત્રા દરમિયાન સાથી મિત્રો પણ વિકસતા જ હોય છે. પણ દરેકની પોતપોતાની એક ચોક્કસ ગતિ હોય છે. આપણી પણ એક ચોક્કસ ગતિ છે.
         આપણે અહીં વિશેષ રીતે એ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કે શું આપણે આપણાથી ઊંચી અવસ્થાને પામેલા સફળ વ્યક્તિઓના સહમુસાફરો છીએ? જેને આપણે આદર્શ એવું નામ આપ્યું છે. આપણે એવાં પરિપક્વ વ્યક્તિઓનાં સંસર્ગની છાયામાં વિકસી રહ્યાં છીએ કે જ્યાં વિકસવાની અનંત સંભાવનાઓ હોય? જો આપનો ઉત્તર હા હોય તો આપ ખરેખર સંસર્ગ નામની સમૃદ્ધિ ધરાવો છો.
              સત્સંગ નામના શબ્દથી આપણે સહુ પરિચિત જ છીએ. આ શબ્દ આધ્યાત્મિક્તા સાથે વણાયેલો છે. પણ વાસ્તવમાં તો તે વ્યાવહારિક જીવતા જીવનનો જ શબ્દ છે. પરિપક્વ યુવામિત્રોનો યોગ્ય જીવનસાથી પસંદગીનો નિર્ણય પણ સંસર્ગની સમૃદ્ધિને પામવાની જ એક કોશિશ હોય છે. આપ સહુ એ સત્યસાથે સહમત થશો કે “આપણી સોબત એ આપણી પસંદગી હોય છે.” આપ એ પણ સ્વીકારશો કે અનેક ગુલામ લોકો એવી સોબત બનાવતા હોય છે કે જેમાં સામેવાળાના કુકડે સવાર થાય, તેની હામાં હા કહે, તેણે લીધેલા નિર્ણયોને વગર વિચાર્યે સ્વીકારે અને જીવનભર વળગી પણ રહે. અમુક લોકોને તો ગુલામી ગમતી જ હોય છે. એટલે તો આજકાલ ધુતારુ ગુરુઓનો રાફડો ફાટયો છે. આપણે આ આવી કોઈપણ પ્રકારની પરિસ્થિતિના ગુલામ તો નથી ને? તે આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. ટૂંકમાં ખરેખર સંસર્ગમાં બન્ને પક્ષે સ્વતંત્રતા હોવી અનિવાર્ય છે. અને પરસ્પર વિકાસ પણ જરૂરી છે. જો આવું હોય તો ખરેખર આપ સંસર્ગ નામની સમૃદ્ધિ ધરાવો જ છો એવું કહીં શકાશે.
          અહીં એક ખાસ ધ્યાનમાં રાખવાં જેવી બાબત એ છે કે ઘણી વખત સામે વાળાની છાયા બોજરૂપ પણ સાબિત થાય એવું પણ બને છે. જેમકે કહેવાતા જ્ઞાનીજનોના વિચાર, વાણી અને વર્તનમાં એકસૂત્રતા ન હોવાને કારણે તેની અવાસ્તવિક અને બનાવટી જિંદગીની અસરો કંઈક અલગ જ પરિણામ લાવે છે. આપણા જીવનને સફળ બનાવવાની જગ્યાએ પાયમાલ બનાવી દે છે. આથી આપણે જેના સંસર્ગમાં છીએ તે માર્ગદર્શકોની એકસૂત્રતાની ચકાસણી કરી લેવી જોઈએ. આચરણ વગરનું જ્ઞાન વાંઝિયું છે તે યાદ રાખજો.
          જે મહાન લોકોના સંસર્ગથી આપણે ગુંગળામણ અનુભવીએ, તેના સાનિધ્યમાં આપણે મન મૂકીને, ખૂલીને વાત ના કરી શકીએ, સંસર્ગમાં આનંદ ના અનુભવાય તે સંસર્ગ ભારરૂપ બની રહેશે. માર્ગદર્શકના સંસર્ગના ઘણા લાંબા સમય પછી પણ આપણે તેવાને તેવા જ રહીએ તો આવો સંસર્ગ સમય બરબાદ કરી દેશે. વિકસવાની જ્યાં અસીમ સીમાઓ હોય છે, ખૂલ્લા આકાશમાં ઊડવાની આઝાદી હોય છે, તમામ બંધનોથી મુક્તિ અર્થાત્ સંસર્ગમાં આઝાદી હોવી અનિવાર્ય છે. તો જ તે સંસર્ગ નામની સમૃદ્ધિ આપણને મળી એવું કહેવાશે.
          સોબત એ એકબીજાને વિકસાવવાનું કાર્ય કરે છે. મિત્રો પરસ્પર એકબીજાને વિકસાવે છે. પતિ-પત્ની બન્ને એકબીજાને વિકસાવે છે. સહ કર્મચારી એકબીજાને વિકસાવે છે. આમ આ પરસ્પર ચાલતી પ્રક્રિયા છે. એટલે સંસર્ગ જીવનનો અનિવાર્ય હિસ્સો છે. તેનાથી કોઈ અળગું રહીં શકતું નથી. મિત્રો, જીવનસાથી, ગુરુ અને માર્ગદર્શકની પસંદગી આપણે કરી શકીએ છીએ.
           સંસર્ગમાં ઉંમરનું હોવું મહત્વપૂર્ણ નથી. ખરેખર તો અનુભવને કારણે કેળવાયેલા પરિપક્વ વ્યક્તિત્વનું હોવાપણું જ મહત્વનું છે. ઘણીવાર આપણાથી નાની ઉંમરનાં બાળકો પણ ઊંચી અવસ્થાએ પહોંચેલાં હોય એવું પણ બને. આપણે એ હંમેશા યાદ રાખવું જોઈએ કે સામે વાળાના વિચારો, ભાષા અને તેનું વર્તન જ  દર્પણ છે. આનું પ્રતિબિંબ જ આપણને જીવતાં શીખવે છે. આવી એકસૂત્રતા ધરાવતા મહાજનોનું હોવાપણું કે વ્યક્તિત્વને છાયા જ આપણને ઉન્નત અવસ્થાએ પહોંચાડી દે છે.
             સંસર્ગના માપદંડથી આપણે આપણી જાતનું સ્વ-મુલ્યાંકન કરીએ. વર્તમાન સમયમાં આપ જે લોકોના સહવાસ કે સંસર્ગમાં જીવી રહ્યા છો તે લોકોની એક યાદી તૈયાર કરો. ઉદાહરણ તરીકે આપે આપના સંસર્ગમાં રહેલા છ વ્યકિતઓનાં નામ નોંધો. આ A, B, C, D, E અને F નામની છ વ્યક્તિઓનું પરીક્ષણ કરો. તેને દસમાંથી તેના વ્યક્તિત્વ પ્રમાણે ગુણ આપો. જેમ કે A, B, C, D, E અને F આ છ વ્યક્તિને અનુક્રમે 4, 5, 2, 6, 4 અને 3 આ ગુણો પ્રાપ્ત થયા છે તેનો સરવાળો કરો, ત્યારબાદ મળેલ જવાબ 30ને ‘છ’ વડે ભાગો જે ઉત્તર આવ્યો ‘4’ તે તમારું પણ વ્યક્તિત્વ સિદ્ધ થયું, અર્થાત્ આપ આજે જે પણ કંઈ અવસ્થાને પામેલા છો તે આપના સહવાસીઓને કારણે જ છો. અને હવે પછી આપ ઊંચામાં ઊંચી જે અવસ્થાને પામશો તે પણ આપના તે સમયના સહવાસીઓને કારણે જ પામશો.
            આપને સહવાસ નામની સમૃદ્ધિની કલ્પનાનો અહેસાસ જરૂર થયો હશે. જો આપે આપની જાતને ખરેખર વિકસાવવી હશે તો ઉન્નત અવસ્થાને પ્રાપ્ત થયેલાનો સહવાસ કરો. અને ખાસ આજે આપણા સંસર્ગમાં પણ અનેક લોકો વિકસી રહ્યાં છે તેનો ખ્યાલ રાખીએ. આપણા જીવનને કેન્દ્રમાં રાખીને અનેક લોકો જીવન જીવવાના છે. આપણે હંમેશા સભાન રહેવું કે આપણે અન્યોના આદર્શ છીએ. આપે હંમેશા શ્રેષ્ઠ મહાનુભાવોના સંપર્કમાં રહીએ અને આપણી પરિપક્વતાના સંસર્ગનો લાભ અનેકોને આપીએ…
Exit mobile version