આખા દેશમાં ભયંકર ગરમી પડી રહી છે. મંગળવારે મહારાષ્ટ્રનું ચંદ્રપુર 47.8 ડિગ્રી તાપમાન સાથે વિશ્વનું સૌથી ગરમ શહેર રહ્યું હતું, જ્યારે નાગપુર 47.5 ડિગ્રી સાથે બીજા નંબરે રહ્યું હતું. મધ્ય અને ઉત્તર ભારતનાં રાજ્યોમાં પણ સરેરાશ તાપમાન 40 ડિગ્રીથી વધુ રહ્યું હતું. મોટા ભાગના વિસ્તારોનું તાપમાન 42થી 46 ડિગ્રીની આસપાસ રહ્યું છે, જે આગામી અઠવાડિયા સુધી યથાવત રહેશે. આ વિસ્તારોમાં મે માસના અંતમાં સામાન્ય રીતે ત્રણથી પાંચ ડિગ્રી તાપમાન ઓછું હોય છે. હજુ ચોમાસુ શરૂ થવામાં દસેક દિવસની વાર છે, પરંતુ ગરમીનો પારો 15 જૂન સુધી આવો જ રહી શકે છે.
પુણે સ્થિત હવામાન વિભાગના ક્લાઈમેટ પ્રીડક્શન વિભાગના પ્રમુખ એ.કે. શ્રીવાસ્તવના કહેવા પ્રમાણે, હાલ પૂર્વ મધ્યપ્રદેશ અને દક્ષિણ પશ્ચિમ રાજસ્થાનમાં એન્ટિસાઈક્લોન ઝોન સર્જાયો છે. આવી સ્થિતિમાં હવા ખૂબ જ નીચે વહે છે અને ગરમાવો ઉપર હોય છે, જેના કારણે વાદળોનું સર્જન થતું નથી. આ કારણે ગરમી પણ વધી રહી છે. સ્કાયમેટના રિપોર્ટ પ્રમાણે, દિલ્હી-એનસીઆર ઉપર હાલ કોઈ વેધર સિસ્ટમ સક્રિય નથી. આ કારણસર અહીં ગરમ અને સૂકા પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. અહીં એક અઠવાડિયા સુધી હજુ ઊંચું તાપમાન રહી શકે છે.
દેશમાં પ્રી-મોનસૂન સિઝનમાં અત્યાર સુધી 23% ઓછો વરસાદ નોંધાયો છે. રાજસ્થાન, ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં સામાન્યથી વધુ વરસાદ થયો છે. મધ્યપ્રદેશ, ઓડિશા, પંજાબ, હરિયાણા અને આસામ સહિત 9 રાજ્યમાં સામાન્ય વરસાદ થયો છે. ઉત્તરપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને તમિલનાડુ સહિત 22 રાજ્યમાં સામાન્યથી ઓછો વરસાદ નોંધાયો છે. તેમાં સાતમાં તો સામાન્યથી ઘણો ઓછો વરસાદ છે.