નવી દિલ્હી: કોંગ્રેસ સંસદીય દળની બેઠકમાં ફરી એકવાર સોનિયા ગાંધી પાર્ટીના સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા છે. આ પ્રક્રિયા દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોંગ્રેસના નેતાઓમાં પ્રાણ ફૂંકતા તેમને આક્રમક અને મજબૂત બનેલા રહેવા માટે હાકલ કરી હતી. તેની સાથે જ રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે અમે 52 સાંસદો જ ભાજપ સાથે લડવા માટે પુરતા છીએ.
જો કે સંસદમાં વિપક્ષના નેતા તરીકેનો દરજ્જો મેળવવા માટે કોઈપણ પાર્ટીને 55 સાંસદોની જરૂર છે. કોંગ્રેસ પાસે 52 સાંસદો છે અને હાલ તે વિપક્ષના નેતા પદનો દરજ્જો મેળવવા માટે પણ જનમત પ્રમાણે પુરતી નથી. તેમ છતાં કારમી હાર બાદ પાર્ટીનું અધ્યક્ષ પદ છોડવાની વાત પર અડગ હોવાના મીડિયા અહેવાલો વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું 52 કોંગ્રેસી સાંસદો 303 સાંસદો ધરાવતા ભાજપની સામે પુરતા હોવાનું કહેવું હાલ પુરતું બિલકુલ હાસ્યાસ્પદ લાગી રહ્યું નથી?
શનિવારે સંસદના સેન્ટ્રલ હોલમાં આયોજીત કોંગ્રેસના સંસદીય દળની બેઠકમાં પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ વોટરોનો ધન્યવાદ અદા કરતા કહ્યુ હતુ કે તમામ કોંગ્રેસના સાંસદોએ એ યાદ રાખવાનું છે કે આપણે સૌ બંધારણ માટે લડી રહ્યા છીએ અને કોઈપણ પ્રકારના ભેદભાવ વગર દરેક દેશવાસી માટે લડી રહ્યા છીએ.
રાહુલ ગાંધીએ એમ પણ કહ્યુ હતુ કે આપણે મજબૂત અને આક્રમક રહેવું પડશે. લોકસભા ચૂંટણીમાં બેહદ ઓછી બેઠકો જીતવા છતાં રાહુલ ગાંધીએ શક્તિશાળી હોવાનો અહેસાસ કરાવતા પાર્ટીના સાંસદોને કહ્યુ હતુ કે આપણે 52 સાંસદો છીએ અને હું ગેરેન્ટી આપું છું કે આ 52 જ ભાજપ સામે ઈંચ-ઈંચ લડવા માટે પુરતા છે.
આ બેઠકમાં સોનિયા ગાંધીને સંસદીય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા બાદ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને વોટ આપનારા 12.13 કરોડ મતદાતાઓને ધન્યવાદ આપવામાં આવ્યો હતો. જો કે આ બેઠકમાં વિપક્ષના નેતાને લઈને કોઈ નિર્ણય થયો નથી. પરંતુ તેની જવાબદારી સોનિયા ગાંધી પર છોડી દેવામાં આવી છે. લોકસભામાં કોંગ્રેસ તરફથી વિપક્ષના નેતા કોણ બનશે, તે નક્કી કરવાની જવાબદારી સોનિયા ગાંધીને આપવામાં આવી છે.