નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના ડોક્ટરોની હડતાળને લઈને મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ એક પ્રેસ કોન્ફરન્સ આયોજીત કરી છે. આ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને સંબોધિત કરતા મમતા બેનર્જીએ કહ્યુ છે કે તેમણે ડોક્ટરોને બોલાવ્યા હતા. પરંતુ તેઓ આવ્યા નહીં. તેમણે પોતાના તરફથી આ મામલાને ઉકેલવાની પુરી કોશિશ કરી છે. ઘણાં રાજ્યોમાં એસ્મા લાગુ કરીને હડતાળ સમાપ્ત કરવામાં આવી છે. પરંતુ પશ્ચિમ બંગાળમાં આવું કરવામાં આવ્યું નથી, કારણ કે તેઓ લોકશાહીમાં વિશ્વાસ ધરાવે છે. પરંતુ આવું ક્યાં સુધી ચાલતું રહેશે. તેમણે તબીબોને નાબાનામાં બોલાવ્યા હતા. આ એક સચિવાલય છે અને તેનું પોતાનું એક સમ્માન છે. પરંતુ ડોક્ટર્સ મીટિંગ માટે પહોંચ્યા નહીં.
મમતા બેનર્જીએ કહ્યુ છે કે પશ્ચિમ બંગાળ રાજ્ય સરકાર જરૂરી પગલા ઉઠાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. રાજ્યની ખાનગી હોસ્પિટલમાં ભરતી જૂનિયર ડોક્ટરના તબીબી ઉપચારના તમામ ખર્ચને વહન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
મમતા બેનર્જીએ કહ્યું છે કે તેમમે ડોક્ટર્સ વિરુદ્ધ કોઈ પોલીસ કાર્યવાહી કરી નથી. તેઓ તબીબોને કામ પર પાછા ફરવાની અપીલ કરી રહ્યા છે. જો તબીબો ઈચ્છતા નથી કે તેમની સાથે કોઈ ચર્ચા કરે, તો તેઓ રાજ્યપાલની સાથે વાતચીત કરી શકે છે અથવા તેઓ મુખ્ય સચિવ સાથે વાતચીત કરી શકે છે.