- ટ્રમ્પની મહત્વકાંક્ષી સ્પેસ ફોર્સ તરફ અમેરિકાએ પગલું આગળ વધાર્યું
- અમેરિકાની સેનાએ લોન્ચ કર્યું સ્પેસ કમાન્ડ
- યુએસ સ્પેસ ફોર્સ અમેરિકાની છઠ્ઠી સૈન્ય શાખા હશે
અંતરીક્ષમાં પોતાની સ્થિતિને મજબૂત કરવાના ઉદેશ્યથી અમેરિકાએ આજે ગુરુવારે સત્તાવાર રીતે સ્પેસ કમાન્ડને લોન્ચ કર્યું છે. ટ્રમ્પ વહીવટી તંત્ર તરફથી નવી યુએસ સ્પેસ ફોર્સની રચનાની દિશામાં આ બેહદ મહત્વનું પગલું માનવામાં આવે છે. યુએસ સ્પેસ ફોર્સ અમેરિકાની સેનાની છઠ્ઠી વિંગ હશે, જે અંતરીક્ષ જગતમાં તેનો દબદબો વધારશે.
લોન્ચિંગ સમયે રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપ્રમુખ માઈક પેન્સ પણ આ ખાસ પળના સાક્ષી બન્યા હતા. જૉન રેમન્ડને સ્પેસ કમાન્ડના પહેલા પ્રમુખ બનાવવામાં આવ્યા છે. અમેરિકાની સ્પેસ કમાન્ડ – સ્પેસકોમના લોન્ચિંગ દતરમિયાન સંરક્ષણ પ્રધાન માર્ક એસ્પર અને સ્પેસકોમના કમાન્ડર એરફોર્સ જનરલ જોન રેમન્ડે પણ ભાગ લીધો હતો.
અમેરિકાની સેનાએ 2009માં અમેરિકાની સાઈબર કમાન્ડની સ્થાપના બાદથી અન્ય વધુ કમાન્ડ બનાવી ન હતી. સ્પેસકોમ સેનાની 11મી યુદ્ધક કમાન છે અને દરેકની પાસે સૈન્ય અભિયાનો માટે એક ભૌગોલિક અથવા કાર્યાત્મક મિશન નિર્ધારીત છે.
સ્પેસ કમાન્ડના લોન્ચથી અંતરક્ષમાં અમેરિકાની સેનાની તકનીકી ક્ષમતાઓના પુનર્ગઠન અને સુધારણા માટે દશકાઓથી ચાલી રહેલા પ્રયાસોમાં તેજી આવશે.
ગત મહીને સેનેટમાં માર્ક એસ્પરે કહ્યુ હતુ કે મને લાગે છે કે આપણે યુદ્ધ લડનારા ડોમેનના સ્વરૂપમાં અંતરીક્ષ ક્ષેત્રને સંપૂર્ણપણે વિકસિત કરવાની જરૂરત છે.
સ્પેસકોમના સ્થાયી મુખ્યમથકને લઈને હાલ કંઈપણ નક્કી કરવામાં આવ્યું નથી. જો કે માનવામાં આવે છે કે તે અલ્બામા, કેલિફોર્નિયા અથવા કોલોરાડોમાંથી કોઈપણ ઠેકાણે હોઈ શકે છે.
ગત વર્ષ જૂનમાં નેશનલ સ્પેસ કાઉન્સિલની ત્રીજી બેઠક દરમિયાન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ હતુ કે હું સંરક્ષણ મંત્રાલયને તાત્કાલિક અમેરિકાની સેનાની છઠ્ઠી શાખા તરીકે સ્પેસ ફોર્સની રચના કરવા માટે જરૂરી પ્રક્રિયા શરૂ કરવાનો આદેશ આપું છું. સ્પેસ ફોર્સ એરફોર્સથી અલગ, પરંતુ તેના જેવી જ હશે.
ત્યારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ઼ ટ્રમ્પે કહ્યુ હતુ કે જ્યારે વાત અમેરિકાની સુરક્ષાની આવે છે, તો અંતરીક્ષમાં આપણી માત્ર હાજરી જ પુરતી નથી. અંતરીક્ષમાં અમેરિકાનું વર્ચસ્વ પણ હોવું જોઈએ.
ટ્રમ્પે અંતરીક્ષને રાષ્ટ્રી સુરક્ષાથી જોડાયેલો મામલો ગણાવ્યો હતો. ત્યારે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તે ઈચ્છતા નથી કે અંતરીક્ષમાં ચીન, રશિયા અથવા અન્ય કોઈ દેશ આપણને લીડ કરે.
મેમાં કોંગ્રેસની બજેટ ઓફિસ તરફથી કહેવામાં આવ્યું હતું કે એક સ્પેસફોર્સની રચના પર દર વર્ષે પેન્ટાગનના વાર્ષિક બજેટમાં એક અબજ ડોલરથી બે અબજ ડોલરનો વધારો ખર્ચ સામેલ થવાની સંભાવના છે. તેનો પ્રારંભિક ખર્ચ લગભગ પાંચ અબજ ડોલર સુધીનો હોવાની સંભાવના છે.