- ઓક્ટોબરના આખરી સપ્તાહમાં ટ્રમ્પ ભારત આવે તેવી શક્યતા
- ડોનાલ્ડ ટ્રમ્પ આગ્રામાં તાજમહલના દીદાર કરે તેવી પણ શક્યતા
- અમેરિકાના રાષ્ટ્રપ્રમુખના ભારત પ્રવાસની તારીખ નક્કી થઈ નથી
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું ભારતની મુલાકાતે આવવાનું પ્રસ્તાવિત છે. તેમની ભારત મુલાકાતમાં આગ્રાનો પ્રવાસ પણ સામેલ છે. તેઓ ત્યાં તાજમહલની મુલાકાતે જશે. જો કે હજી સુધી ટ્રમ્પની મુલાકાતને લઈને કોઈ કાર્યક્રમ આવ્યો નથી. પરંતુ અમેરિકાની એજન્સીઓ અત્યારથી જ સક્રિય થઈ ગઈ છે. તો પ્રશાસનિક અધિકારીઓ પણ આ હાઈપ્રોફાઈલ મુલાકાતની તૈયારીઓમાં લાગી ગયા છે.
ભારત મુલાકાત દરમિયાન ટ્રમ્પ તાજમહલ જાય તેવી શક્યતા છે. તેમની વિઝિટ ઓક્ટોબરના આખરી સપ્તાહમાં થવાની શક્યતા છે. વહીવટીય સૂત્રો પ્રમાણે, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સંભવિત મુલાકાતને લઈને તૈયારીઓ શરૂ થઈ ચુકી છે. ગૃહ અને વિદેશ મંત્રાલય તરફથી પણ જાણકારી લેવાઈ રહી છે. જો કે હજી સુધી કોઈ કાર્યક્રમને આખરી ઓપ અપાયો નથી અને આના સંદર્ભે કોઈ તારીખ પણ નક્કી થઈ નથી.
મહત્વપૂર્ણ છે કે અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ આઈઝન હોવરે તાજમહલના દીદાર કર્યા હતા. તો 20 માર્ચ – 2000ના રોજ અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ બિલ ક્લિન્ટન પણ તાજમહલની મુલાકાતે આવ્યા હતા. જાન્યુઆરી – 2015માં અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા પણ તાજમહલની મુલાકાતે આવવાના હતા. તેના માટે અમેરિકાની એડવાન્સ ટીમે પણ એરપોર્ટથી તાજમહલ સુધીનું નિરીક્ષણ કર્યુ હતું. પરંતુ બાદમાં તેમણે અહીં આવવાનો કાર્યક્રમ રદ્દ કર્યો હતો.