- આનંદ શુક્લ
- કમ્યુનિઝમનો પ્રભાવ રોકવા ઈસ્લામિક કટ્ટરવાદને અમેરિકાએ વકરાવ્યો
- અફઘાન વોરમાં આઈડિયોલોજિકલ વેપન ઓફ માસ ડિસ્ટ્રક્શનનો ઉદભવ
- વોર ઓન ટેરર એટલે આઈડિયોલોજિકલ વેપન ઓફ માસ ડિસ્ટ્રક્શનનો ખાત્મો
અમેરિકાની વૈશ્વિક રણનીતિમાં બીજા વિશ્વયુદ્ધ બાદ શરૂ થયેલા કોલ્ડ વૉર અને યુએસએસઆર એટલે કે સોવિયત રશિયાના 1991 સુધીના પડકારમય વૈશ્વિક પરિદ્રશ્યમાં મુસ્લિમ દેશો સાથે સંબંધોની પ્રગાઢતા હતી. અમેરિકાના કમ્યુનિઝમને રોકવાની કોશિશોમાં દુનિયાની સામે બકરું કાઢતા ઊંટ પેઢા જેવો ઘાટ છે. આજે વિશ્વમાં આતંકવાદની સમસ્યા અને તેમાય ખાસ કરીને અલકાયદા-આઈએસઆઈએસ-તાલિબાન અને પાકિસ્તાનના જેહાદી ટેરર નેટવર્કના ઈસ્લામિક આતંકવાદીઓના બેફામ બનવા પાછળ અમેરિકાની ઈસ્લામિક દેશો અને ઈસ્લામિક વિચારધારાને લઈને કોલ્ડ વૉર વખતે અખત્યાર કરવામાં આવેલી નીતિઓ કારણભૂત હોવાનું ઘણાં જાણકારો માની રહ્યા છે.
જો કે અમેરિકાને અફઘાનિસ્તાન, ઈરાન અને મિડલ-ઈસ્ટમાં આધુનિકતા તરફ આગળ વધી રહેલા ઈસ્લામિક દેશો અને મુસ્લિમોને મજહબી કટ્ટરતાના ઝેરમાં ઝબોળવાની વૈશ્વિક રણનીતિનો પ્રતાપ છે કે વૈશ્વિક જેહાદી નેટવર્કે માથું ઉંચક્યું અને ઓસામા બિન લાદેનના આતંકી સંગઠન અલકાયદાના સાઉદી સુન્ની મુસ્લિમ આતંકીઓએ 9/11 જેવો જઘન્ય આતંકી હુમલો કર્યો હતો. અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર કે જે વૈશ્વિક વ્યાપારનું કેન્દ્રબિંદુ છે, ત્યાં વૈશ્વિક ઈસ્લામિક આતંકવાદી નેટવર્કના આતંકીઓએ વિમાનો દ્વારા હુમલો કર્યો અને ટ્વિન ટાવરને 11 સપ્ટેમ્બર-2001ના રોજ ધ્વસ્ત કર્યા હતા. આતંકવાદીએ અમેરિકાના સૈન્ય મથક પેન્ટાગન પર પણ હુમલો કરીને તેને કેટલુંક નુકસાન પહોંચાડયું હતું.
અમેરિકાની ઈસ્લામિક દેશોની નીતિ બદલાઈ-
9/11ના ભીષણ આતંકી હુમલા બાદ અમેરિકાની વૈશ્વિક નીતિમાં ધરખમ ફેરફાર જોવા મળ્યા છે. ખાસ કરીને અમેરિકાની મુસ્લિમ દેશો પ્રત્યેની નીતિમાં કેટલાક ઠેકાણે તો શીર્ષાસન પણ જોવા મળ્યું છે. તેની સાથે અમેરિકામાં મુસ્લિમો અથવા મુસ્લિમો જેવા લાગતા સમુદાય તરફ (શીખ સમુદાયને 9/11 પછી નિશાન બનાવાતો હતો) વંશીય નફરતના મામલામાં વધારા સાથે દક્ષિણપંથી વિચારોવાળા ડોનાલ્ડ ટ્રમ્પને 2016માં રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટવા સુધીના ધરખમ ફેરફારો તેના ઘરઆંગણે પણ થઈ ચુક્યા છે.
9/11ના હુમલાને કારણે અમેરિકાના ઈસ્લામિક વિશ્વ સાથેના સંબંધોમાં ખૂબ મોટા પ્રમાણમાં તણાવ જોવા મળ્યો છે. અમેરિકામાં ઈસ્લામ વિરોધી મૂવમેન્ટ અને પશ્ચિમી દેશોમાં પણ આવા આંદોલન જોર પકડી ચુક્યા છે. શરૂઆતમાં અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ જ્યોર્જ બુશે ક્રૂસેડ એટલે કે ખ્રિસ્તી ધર્મયુદ્ધ તરીકે પ્રતિક્રિયાને ઓળખ આપવાની કોશિશ કરી હતી. પરંતુ મુસ્લિમ અને બિનમુસ્લિમ દેશોએ ત્વરીત પ્રતિક્રિયા આપી હતી. અમેરિકાનું અફઘાનિસ્તાન ખાતેનું વોર ઓન ટેરર માત્ર તે દેશ અને ઓસામા બિન લાદેનના અલકાયદા સુધી મર્યાદીત રહ્યું ન હતું. આ કાર્યવાહી આતંકવાદના સમર્થક એવા મુસ્લિમ અને બિનમુસ્લિમ દેશો સામે ચલાવવાની હતી. આ નિવેદન પ્રમાણે ઈરાક, ઈરાન અને ઉત્તર કોરિયાને શેતાનોની ધરી તરીકે ઓળખવામાં આવ્યા હતા.
20 સપ્ટેમ્બર-2001ના રોજ રાષ્ટ્રપ્રમુખ બુશે પોતાના સંબોધનમાં અલકાયદા અને તેના લીડર ઓસામા બિન લાદેન સામે પુરાવા હોવાનું જણાવ્યું હતું. અલકાયદા અને ઓસામાની લિંક્સ અન્ય દેશોના કેટલાક સંગઠનો સાથે પણ હોવાનું તેમણે જણાવ્યું હતું. આમા ઈજીપ્શિયન ઈસ્લામિક જેહાદ અને ઈસ્લામિક મૂવમેન્ટ ઓફ ઉઝબેકિસ્તાનનો પણ સમાવેશ થતો હતો.
અફઘાનિસ્તાન-
2001માં અફઘાનિસ્તાનમાં તાલિબાનોની અલકાયદાની સાંઠગાંઠવાળી સરકારને અમેરિકાએ પોતાની લશ્કરી કાર્યવાહીમાં પદભ્રષ્ટ કરી હતી. જો કે તાલિબાનો સોવિયત સેના સામે અફઘાનિસ્તાનમાં લડનારા ભૂતપૂર્વ મુજાહિદ્દીનો હતા. આ મુજાહિદ્દીનોને અમેરિકાએ કમ્યુનિઝમને રોકવા માટે પાકિસ્તાનની મદદથી તૈયાર કર્યા હતા. આમાના કેટલાક અફઘાની કથિત મુજાહિદ્દીનોને વ્હાઈટ હાઉસમાં અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ રોનાલ્ડ રેગને મુલાકાત પણ કરી હતી. આવી જ એક મુલાકાતની કોશિશ અમેરિકાના હાલના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરી હતી. પરંતુ નવ તબક્કાની તાલિબાનો સાથેની વાતચીતના અંતે માત્ર એક અમેરિકન સૈનિકના મોતની ઘટનાએ ટ્રમ્પને હચમચાવી દીધા અને તેમણે કથિત શાંતિ વાટાઘાટોને રદ્દ કરી હતી. તેના બદલામાં તાલિબાનોએ વધુ મોટા નરસંહારની ધમકી આપી છે અને 9/11ની વરસી પર કાબુલ ખાતે અમેરિકાના દૂતાવાસ પર રોકેટ હુમલો કરીને આની શરૂઆત પણ કરી દીધી છે.
પાકિસ્તાન-
પાકિસ્તાનની ભૂમિકામાં ઘણાં મોટા પ્રમાણમાં અમેરિકાની ફ્લિપ-ફ્લોપની રણનીતિ છે. 2001માં વોર ઓન ટેરર વખતે પાકિસ્તાનના તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ પરવેઝ મુશર્રફે અમેરિકાના સમર્થનનું નાટક કર્યું હતું. પરંતુ પાકિસ્તાનમાંથી જ તાલિબાનોને નાટો અને અમેરિકન સેના સામે લડવા માટે લોજિસ્ટિક સપોર્ટ મળતો હતો. તેના કારણે અમેરિકાએ ઘણાં ડ્રોન એટેક પાકિસ્તાનની ધરતી પર કરીને તાલિબાન અને અલકાયદાના મોટા લીડરનોને ઠાર કર્યા છે. જેમાં ઓસામા બિન લાદેનને ઠાર કરવા માટે અમેરિકાની સેનાએ પાકિસ્તાની સેનાની છાવણી નજીક 2011માં ઓપરેશન હાથ ધર્યું હતું અને અલકાયદાના આતંકી આકાને જહન્નમમાં પહોંચાડયો હતો. પાકિસ્તાન તરફી રણનીતિમાં ખાસુ પરિવર્તન અમેરિકા લઈ આવ્યું છે. પરંતુ પાકિસ્તાનને હજીપણ અમેરિકા પોતાની જીઓપોલિટિકલ મજબૂરીઓના પ્રતાપે છોડી શકતું નથી. અમેરિકાએ પાકિસ્તાનની મદદમાં ઘણો મોટો કાપ મૂક્યો છે. પરંતુ અમેરિકા સામે ઝેર ઓકતા અને પાકિસ્તાનના પાડોશી દેશો અફઘાનિસ્તાન, ભારત, ઈરાનમાં આતંક ફેલાવતા હાફિઝ સઈદ, મસૂદ અઝહર, સલાઉદ્દીન અને તાલિબાની નેટવર્કના ખાત્મા માટે અમેરિકા પાકિસ્તાન સામે લશ્કરી પગલા લઈ રહ્યું નથી. આ એક મોટું રહસ્ય છે.
સાઉદી અરેબિયા-
પાકિસ્તાનના આકા સાઉદી અરેબિયાની સરકારમાં બેઠેલા લોકોને લઈને પણ 9/11ના હુમલા બાદ ખાસી નારાજગી અમેરિકામાં ઉઠી હતી. જો કે બરાક ઓબામાના કાર્યકાળમાં સાઉદી અરેબિયાના એસ્ટાબ્લિશમેન્ટની સામે 9/11 મામલે ખટલો ચલાવવાની કોશિશોને નિષ્ફળ બનાવવામાં આવી હતી. પરંતુ સાઉદી અરેબિયા સાથે અમેરિકાના પહેલા જેવા સંબંધો નહીં રહ્યા હોવાનું કથિતપણે ચર્ચાય રહ્યું છે. પરંતુ અમેરિકા અને સાઉદી અરેબિયા બંને એકબીજાને પોતપોતાના હિતોને કારણે છોડી શકે તેમ નથી. પાકિસ્તાન સામે કાર્યવાહી નહીં થવા પાછળ પણ અમેરિકા અને સાઉદીના સંબંધોની એક ભૂમિકા હોવાનું માનવામાં આવે છે. જો કે એફએટીએફમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાંથી બ્લેક લિસ્ટમાં જતું કોઈ બચાવી શકે તેમ નહીં હોવાનું માનવામાં આવે છે. ત્યારે અમેરિકાની મજબૂરી પણ ઈસ્લામિક વર્લ્ડમાં સાઉદી અરેબિયા-કતર જેવા દેશોના શાસકોની મદદથી એક નવું પરિવર્તન કટ્ટરતાથી ઉદારતાવાદ તરફનું લાવવાની કોઈ કોશિશ ઝડપથી આગળ વધારે તેવી શક્યતાઓ પણ જોવાય રહી છે.
ઈરાક- સીરિયા-
અમેરિકાનું વોર ઓન ટેરર 2003માં વેપન ઓફ માસ ડિસ્ટ્રક્શન સામેની કાર્યવાહીના નામે ઈરાકમાં સદ્દામ હુસૈનની સત્તાને ઉખાડી ફેંકવાનું કારણ પણ બન્યું હતું. ઈરાકના કુવૈત પર આક્રમણ બાદ જ્યોર્જ બુશના પિતાએ અમેરિકાના તત્કાલિન રાષ્ટ્રપ્રમુખ તરીકે 1991-92માં લશ્કરી પગલા લીધા હતા અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે બુશે 2003માં ઈરાક ખાતે લશ્કરી પગલા લઈને સદ્દામ હુસૈનને પદભ્રષ્ટ કરીને તેમને ફાંસીએ પણ લટકાવી દીધા હતા. ઈરાકીમાં અસ્થિરતાને કારણે અલકાયદાનું એક જૂથ આઈએસઆઈએસ તરીકે અલગ પડયું અને તેણે ઈરાક-સીરિયાના મોટાભાગને કબજે કર્યો હતો. અમેરિકા અને સાથીદેશોની સેનાઓએ સીરિયા અને ઈરાકને આઈએસઆઈએસથી મુક્ત કરાવી લીધા છે. પરંતુ હવે ડર છે કે આઈએસઆઈએસ તાલિબાનોને હટાવીને અફઘાનિસ્તાનમાં ઘૂસી જશે. અમેરિકાની સીરિયા અન ઈરાકમાં સ્થિરતા સ્થાપવાની કોશિશો હાલ નિષ્ફળ દેખાઈ રહી છે.
અમેરિકાના નેતૃત્વવાળા આતંકવાદ વિરોધી અભિયાન અને અફઘાન-ઈરાક યુદ્ધને કારણે અમેરિકાની ઈસ્લામિક વિશ્વમાં અમેરિકાની રણનીતિને ખૂબ મોટી અસર પહોંચી છે. કમ્યુનિસ્ટ સોવિયત રશિયાનો ભાગ રહેલા ઉઝબેકિસ્તાન અને કિર્ગિસ્તાનમાં અમેરિકાના એસ્ટાબ્લિશમેન્ટનો પગપેસારો પણ વધ્યો છે. જો કે તેની સાથે જ અલકાયદાને કેટલુંક છૂપું સમર્થન સોવિયત રશિયામાંથી છૂટા પડેલા મધ્ય એશિયાના ઈસ્લામિક દેશોના કેટલાક તત્વો દ્વારા મળી રહ્યાનું પણ માનવામાં આવી રહ્યું છે. આ તત્વો પાકિસ્તાનમાં બેઝ ધરાવતા વૈશ્વિક જેહાદી આતંકી નેટવર્કનો હિસ્સો છે.
પેલેસ્ટાઈન-ઈઝરાયલ વિવાદ-
અમેરિકાએ સૌથી મોટો ધરખમ નીતિગત ફેરફાર ઈઝરાયલ અને પેલેસ્ટાઈનને લઈને કર્યો છે. યેરુસલેમને ઈઝરાયલના પાટનગર તરીકે ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રે મંજૂરી આપી દીધી છે. તો પેલેસ્ટાઈન સંબંધિત સંદર્ભોને અમેરિકાના વિદેશ વિભાગે હટાવી દીધા છે. એક રીતે પેલેસ્ટાઈનની માન્યતા ભૂંસવા તરફ નીતિગત પરિવર્તન આગળ વધી રહ્યું છે. પેલેસ્ટાઈન મધ્ય એશિયા અને ઈસ્લામિક વિશ્વ માટે કોલ્ડવોર વખતે એક ભાવનાત્મક મુદ્દો માનવામાં આવતો હતો. તુર્કી અને પાકિસ્તાન જેવા દેશોના જેહાદી આતંકી નેટવર્કના એલિમેન્ટ પોતાની દુકાન પેલેસ્ટાઈન અને ઈઝરાયલના સંઘર્ષના નામે દશકાઓથી પુરજોર ચલાવી રહ્યા છે. આ મામલે ઈસ્લામિક વિશ્વના કેટલાક તત્વો અમેરિકા સામે વધુ આકરી પ્રતિક્રિયા આપે તેવી શક્યતાઓને જોતા વોશિંગ્ટન પણ વધુ એલર્ટ છે.
ઈરાન-
ઈરાન અને અમેરિકા વચ્ચે 1979થી તણાવપૂર્ણ સંબંધો છે. ટ્રમ્પ વહીવટી તંત્રે તાજેતરમાં ઈરાન સાથે પરમાણુ કરાર રદ્દ કરીને તેને કથિતપણે આતંક ફેલાવનાર દેશ ગણીને કડક પ્રતિબંધો ઝીંકયા છે. લશ્કરી તણાવ પણ ઈરાન સાથે ખૂબ મોટા પ્રમાણમાં આકાર લઈ રહ્યો છે. ઈરાનમાં 60ના દશકામાં સરકાર ઉથલાવીને નવી સત્તા લાવવી પછી ઈસ્લામિક રિવોલ્યૂશનના નામે 1979માં સત્તા પરિવર્તનમાં અમેરિકાની ઘણી મોટી ભૂમિકાની ચર્ચા વૈશ્વિક સ્તરે થઈ ચુકી છે. હાલ ઈરાન સાથે અમેરિકાની સ્થિતિ ટકરાવ તરફ આગળ વધી રહી હોવાનું પણ એક આકલન છે. જો કે તણાવના સ્તરમાં થડો ઘટાડો પણ જોવા મળ્યો છે.
સેન્ટ્રલ એશિયાના મુસ્લિમ દેશો-
અમેરિકા સોવિયત યૂનિયનનો ભાગ રહેલા મધ્ય એશિયાના દેશો સાથે સંબંધો વધારવા તરફ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. ખાસ કરીને મધ્ય એશિયાના સોવિયત યૂનિયનનો ભાગ રહેલા આવા તજાકીસ્તાન, કિર્ગિસ્તાન, ઉઝબેકિસ્તાન અને તુર્કમેનિસ્તાન જેવા દેશોમાં કેટલીક ઈસ્લામિક મૂવમેન્ટની શક્યતા નકારવામાં આવતી નથી. પરંતુ તેમ છતા આ દેશો ઈસ્લામિક કટ્ટરતાથી ખૂબ-ખૂબ દૂર છે. રાષ્ટ્રીય હિતો સર્વોપરી છે અને કોઈ કાયમી દોસ્ત કે દુશ્મન નથી તેવો મંત્ર વિદેશ નીતિમાં દુનિયા માને છે. આવી સ્થિતિ સેન્ટ્રલ એશિયાના આવા ઈસ્લામિક દેશો સાથે અમેરિકાના સંબંધો પુરાવો પણ આપે છે. ઉદાહરણ તરીકે તાજિકિસ્તાનમાં અમેરિકા ઈસ્લામિક મૂવમેન્ટને વિકસતી રોકવા માટે જૂની કમ્યુનિસ્ટ પાર્ટીના નેતાઓ સાથે સંબંધો પ્રસ્થાપિત કરી ચુક્યું છે. મધ્ય એશિયાના આ દેશો પોલિટિકલ ઈસ્લામથી દૂર છે, તેના કારણે અમેરિકાના નીતિ-નિર્ધારકોનું પુરું ધ્યાન આવા દેશોને ઈસ્લામિક દેશનું ઈરાનિયન મોડલ અપનાવવાથી રોકીને તેમને તુર્કીના સેક્યુલર મોડલ તરફ વાળવા પર કેન્દ્રીત છે.
આઈડિયોલોજિકલ વેપન ઓફ માસ ડિસ્ટ્રક્શનનું વિસર્જન વૈશ્વિક હિત-
જો કે હજી પણ અમેરિકાની ઈસ્લામિક દેશો તરફથી નીતિમાં ઘણાં વિરોધાભાસ છે. એક સ્થાન પર તે ઈસ્લામિક ક્ટ્ટરતાને પોષતા એસ્ટાબ્લિશમેન્ટની જોડે પરોક્ષ કે પ્રત્યક્ષપણે દેખાય રહ્યું છે. તો બીજી તરફ અમેરિકા ઈસ્લામિક કટ્ટરતા તરફ એસ્ટાબ્લિશમેન્ટને જતા રોકી રહ્યું છે. જો કે 9/11 બાદ અફઘાન વોર વખતે ઈજાત કરાયેલું આઈડિયોલોજિકલ વેપન ઓફ માસ ડિસ્ટ્રક્શન અને તેના નેટવર્કના માનવતા સામેના ખતરાને જોતા અમેરિકા જ નહીં, તમામ માનવતા તરફી દેશો અને લોકોએ ઈસ્લામિક વિશ્વમાં કટ્ટરતાને ડામતા માનવતા પ્રેમી વલણને પ્રભાવી બનાવવાની પ્રામાણિક કોશિશ કરવી જરૂરી છે.