ઈરાન સાથે વધતા તણાવની વચ્ચે પેન્ટાગને પહેલીવાર એફ-22 રેપ્ટર સ્ટીલ્થ યુદ્ધવિમાનોની કતરમાં તેનાતી કરી છે. આ જાણકારી અમેરિકન સેનાએ આપી છે. કતરમાં યુદ્ધવિમાનની તેનાતીને અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવના દ્રષ્ટિકોણથી જોવાઈ રહ્યું છે.
અમેરિકાની વાયુસેનાના મિલિટ્રી કમાન્ડે પોતાના નિવેદનમાં કહ્યુ છે કે અમેરિકા સેના અને તેના હિતોની સુરક્ષા માટે આ તેનાતી કરવામાં આવી છે. જો કે નિવેદનમાં એ વાતની જાણકારી આપવામાં આવી નથી કે કેટલા વિમાનોની તેનાતી કરવામાં આવી છે.
ઈરાનની સાથે તાજા ઘટનાક્રમ બાદથી જ અમેરિકા મધ્યપૂર્વમાં પોતાની સેનામાં વધારો કરી રહ્યું છે. અમેરિકાના યુદ્ધવિમાનો કતરની રાજધાની દોહાની બહાર અલ ઉદીદ એરબેસ ખાતે પહોંચ્યા છે. એક સંરક્ષણ અધિકારીએ કહ્યુ છે કે યુદ્ધવિમાન મધ્યપૂર્વમાં નવી સેનાની પહેલેથી ઘોષિત તેનાતીનો હિસ્સો છે. તેનો ઉદેશ્ય સમગ્ર વિસ્તાર વિશેષ કરીને ઈરાક અને સીરિયામાં પોતાની સેનાની સુરક્ષા માટે અમેરિકાની ક્ષમતા વધારવાનો છે. જ્યાં અમેરિકાની સેના ઈરાન સમર્થિત આતંકવાદીઓ સાથે લડાઈમાં ઉભી છે.
અમેરિકાના અધિકારીઓએ કહ્યુ છે કે વિશ્વસ્ત ગુપ્તચર જાણકારી મળી છે કે ઈરાનની સેના અને તેના સમર્થક, આ વિસ્તારમાં અમેરિકનો પર હુમલો કરવાની યોજના બનાવી શકે છે. અલ ઉદીદ એરબેઝ પાસે અમેરિકાના યુદ્ધવિમાનોને ઉડ્ડયન ભરતા જોવામાં આવ્યા છે.
મહત્વપૂર્ણ છે કે અમેરિકા દ્વારા મલ્ટિપાર્ટી ન્યૂક્લિયર ડીલ 2015થી હાથ ખેંચવામાં આવ્યા બાદથી ઈરાન પર પ્રતિબંધના કોરડા વીંઝાવાની વચ્ચે બંને દેશો વચ્ચેનો તણાવ ચરમસીમા પર છે. ગત સપ્તાહે આ તણાવ તે સમયે વધ્યો, જ્યારે ઈરાને અમેરિકાના માનવરહિત ડ્રોનને તોડી પાડયું હતું. બાદમાં અમેરિકાએ ઈરાન પર સ્ટ્રાઈક કરવાનો આદેશ આપ્યો હતો, તેના પછી તે પાછો ખેંચવામાં આવ્યો હતો.