ઉત્તરપ્રદેશના બારાબંકીમાં ઝેરીલા દારૂથી મરનારાઓની સંખ્યામાં વધારો થયો છે. અત્યાર સુધીમાં 20 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. આ મામલે પોલીસે 3 લોકોની ધરપકડ કરી છે. પોલીસે એક આપી પપ્પુ જયસ્વાલની એન્કાઉન્ટર પછી ધરપકડ કરી છે. ફાયરિંગમાં પપ્પુના પગે ગોળી વાગી છે. પપ્પુ દેશી દારૂની દુકાન પર વિક્રેતા હતો. હાલ મુખ્ય આરોપ ફરાર છે.
ઉલ્લેખનીય છે કે મંગળવારે બારાબંકીના અલગ-અલગ ગામના ગામવાસીઓએ રામનગરના રાનીગંજની એક સરકારી દેશી દારૂની દુકાન પરથી દારૂ ખરીદીને પીધો હતો. આ ઝેરીલા દારૂને પીવાથી 20 લોકોનાં મોત થઈ ગયા, જ્યારે ત્રણ ડઝનથી વધુ લોકો ગંભીર હાલતમાં હતા. આ મામલે જિલ્લા કરવેરા અધિકારી, રામનગરના સીઓ, એસએચઓ તેમજ કરવેરા નિરીક્ષક સહિત 15 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ સાથે જ આરોપીઓની ધરપકડ માટે ત્રણ ટીમોનું ગઠન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં આ મામલે 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બેની અટકાયત કરીને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. મુખ્ય આરોપી દાનવીર સિંહ ફરાર હોવાનું જણાવાઈ રહ્યું છે. બહરાઇચમાં રહેતા દાનવીર સિંહ પર પોલીસે 20 હજારનું ઇનામ જાહેર કર્યું છે. તેની શોધ માટે ટીમો તહેનાત કરવામાં આવી છે.
આ આખા મામલાની તપાસ માટે અયોધ્યાના કમિશ્નર, આઇજી અને કરવેરા કમિશ્નરની તપાસ સમિતિ બનાવવામાં આવી છે. આ સમિતિ 48 કલાકમાં રિપોર્ટ આપશે. સ્વાસ્થ્યમંત્રી સિદ્ધાર્થનાથ સિંહે કહ્યું હતું કે મામલાની તપાસ માટે રચાયેલી ઉચ્ચ સ્તરીય ટીમ અન્ય પાસાઓ ઉપરાંત એ વાતની પણ તપાસ કરશે કે ક્યાંક આ ઘટનાની પાછળ કોઈ રાજકીય કાવતરું તો નથી.
સીએમ યોગીએ મૃતકોના પરિવારજનોને બે-બે લાખ રૂપિયાની આર્થિક મદદ આપવાની જાહેરાત કરી હતી. કરવેરા મંત્રી જયપ્રતાપસિંહે કહ્યું છે કે ઘટના ખૂબ ગંભીર છે. દોષીઓને જરાય બક્ષવામાં નહીં આવે.