નવી દિલ્હી: યુપી બાર કાઉન્સિલના અધ્યક્ષ દરવેશ યાદવની ગોળી મારીને હત્યા કરવાનો સનસનાટીપૂર્ણ મામલો સામે આવ્યો છે. તેમને તેમના સાથી વકીલે જ ગોળી મારી દીધી છે. તેઓ બે દિવસ પહેલા જ યુપી બાર કાઉન્સિલના અધ્યક્ષપદે ચૂંટાયા હતા. દિવાની અદાલતમાં સ્વાગત સમારંભ દરમિયાન ગોળીકાંડ થયો હતો. એડવોકેટ મનીષ દ્વારા ગોળી ચલાવાઈ હોવાનો આરોપ છે.
જણાવવામાં આવે છે કે દરવેશ યાદવને તેણે ઉપરાઉપરી ત્રણ ગોળીઓ મારી હતી. બાદમાં મનીષે ખુદને પણ ગોળી મારી હતી. મનીષને હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરાવવામાં આવ્યો છે. તેની ત્યાં સારવાર ચાલી રહી છે. જ્યારે દરવેશને હોસ્પિટલનો તબીબોએ મૃત ઘોષિત કર્યા છે. ગોળીકાંડની જાણકારી બાદ એડીજી અજય આનંદ અને એડીજી અજય શ્રીવાસ્તવ પુષ્પાંજલિ હોસ્પિટલ દોડી ગયા હતા.
દરવેશ યાદવ બે દિવસ પહેલા જ યુપી બાર કાઉન્સિલના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. યુપીના બાર કાઉન્સિલના ઈતિહાસમાં તે પહેલા મહિલા અધ્યક્ષ હતા. યુપી બાર કાઉન્સિલની ચૂંટણી રવિવારે પ્રયાગરાજમાં થઈ હતી.
દરવેશ યાદવ મૂળ એટાના વતની હતા. 2016માં બાર કાઉન્સિલના ઉપાધ્યક્ષ અને 2017માં તેઓ કાર્યકારી અધ્યક્ષ રહી ચુક્યા છે. પહેલીવાર તેઓ 2012માં સદસ્ય તરીકે વિજયી બન્યા હતા. ત્યારથી તેઓ બાર કાઉન્સિલમાં સક્રિય હતા. આગ્રાથી જ તેમણે કાયદાશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. 2004માં તેમણે પોતાની વકીલાત શરૂ કરી હતી.