- મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ પર કેન્દ્ર સખત
- MHA એ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આપી સલાહ
- જાતીય ગુનાના કેસમાં એફઆઈઆર દાખલ કરવી ફરજિયાત
અમદાવાદ: કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મહિલાઓની સુરક્ષાને લઈને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક નવી એડવાઇઝરી જારી કરી છે. આ એડવાઇઝરીમાં સ્પષ્ટ રીતે રાજ્ય સરકારો અને તમામ કેન્દ્ર શાસિત પ્રદેશોને મહિલાઓ વિરુદ્ધના ગુનાના કેસોમાં યોગ્ય રીતે કામ કરવા અને કેસોમાં બેદરકારી ન દાખવવાનું દિશા-નિર્દેશમાં જારી કરવામાં આવ્યું છે.
સરકાર દ્વારા અપાયેલી દિશા – નિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે, મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં કોઈ ચૂક આવે છે તો તે મામલે દોષિત અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થવી જોઇએ. જાતીય ગુનાના કેસમાં એફઆઈઆર દાખલ કરવી ફરજિયાત છે. ગૃહ મંત્રાલયે રાજ્યોને કહ્યું છે કે, જો મહિલા સામે ગુનો પોલીસ સ્ટેશનના અધિકાર ક્ષેત્રની બહાર થયો હોય તો ‘ઝીરો એફઆઈઆર’ નોંધવી જોઇએ.
દિશા – નિર્દેશોમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે ભારતીય દંડ સંહિતાની કલમ 166 (A) એફઆઈઆર નોંધણી ન કરવાના કિસ્સામાં પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપે છે. સીઆરપીસીની 173 ની કલમ બળાત્કારના કેસમાં 2 મહિનાની અંદર તપાસ પૂર્ણ કરવી જરૂરી છે.
દિશા-નિર્દેશોમાં કહેવામાં આવ્યું છે કે બળાત્કારના કિસ્સામાં ફોરેન્સિક નમૂનાઓ ઘટનાના 24 કલાકમાં લેવામાં આવવા જોઈએ. ઉપરાંત કેસમાં કોઈપણ પીડિત દ્વારા લેખિત અથવા મૌખિક રીતે નોંધાયેલા કોઈપણ નિવેદનોનો ઉપયોગ સંબંધિત તથ્ય તરીકે થવો જોઈએ.
_Devanshi