સંયુક્ત રાષ્ટ્ર : યુએના ઉપ મહાસચિવ અમીના મોહમ્મદે દુનિયાભરમાં વધી રહેલી અસહિષ્ણુતા વચ્ચે વિવિધતા અને સમાવેશના મહત્વ પર ભાર મૂકતા તમામ ધર્મોના લોકો વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધોના ભારતીય સમ્રાટ અશોકના સંદેશાનો ઉલ્લેખ કર્યો હતો.
અમીનાએ ધર્મસ્થાનો પર હુમલા અને લઘુમતીઓ, શરણાર્થીઓ તથા કોઈને ખુદથી અલગ સમજીને તેના પર નિશાન સાધીને થઈ રહેલી હિંસાના સમયગાળામાં બહુમતીવાદના મહત્વને રાખાંકીત કર્યું હતુ.
તેમણે 11 જૂને લિસ્બનમાં ગ્લોબલ સેન્ટર ફોર પ્લુરલિઝમમાં કહ્યુ છે કે હજારો વર્ષોથી વિદ્વાન અને દાર્શનિક એકતા અને બહુમતીવાદ, સંપૂર્ણ અને તેના ઘટકો વચ્ચે તણાવ પર ચર્ચા કરતા આવી રહ્યા છે. બે સહસ્ત્રાબ્દિઓ પહેલા ભારતીય સમ્રાટ અશોક મહાને તમામ ધર્મોના લોકો વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધો તથા એકબીજાના ધર્મગ્રંથો પ્રત્યે સમ્માન રાખવાનો સંદેશ આપ્યો હતો.
અશોક મહાનના નામથી પ્રસિદ્ધ સમ્રાટ અશોક મૌર્ય વંશના શાસક હતા. તેમણે ઈ.સ. પૂર્વે 268થી ઈ.સ. પૂર્વે 232 સુધી આખા ભારતીય ઉપખંડ પર શાસન કર્યું હતું. અમીનાએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે દુનિયામાં બહુમતીવાદના વાયદાને પૂર્ણ કરવા માટે લાંબી સફર કરવાની છે.
યુએનના મહાસચિવે દેશોમાં વધતી અસહિષ્ણુતા અને ભેદભાવ પ્રત્યે ચિંતા વ્યક્ત કરતા કહ્યુ છે કે પ્રાથમિકતાઓને ફરીથી નિર્ધારીત કરવા અને આર્થિક, રાજકીય અને સામાજીક પ્રણાલીઓને પુનર્ગઠિત કરવાની ઘણી જરૂરત છે.
તેમણે ન્યૂઝીલેન્ડમાં મસ્જિદો પર, શ્રીલંકામાં ચર્ચો પર અને અમેરિકામાં યહુદી ધર્મસ્થાનો પર હુમલાનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે ઉપાસનાના સ્થાનો પર વધી રહેલા આ હુમલા એકબીજા પ્રત્યે અને માનવતા તરફ સમ્માનની ઉણપના ઉદાહરણ છે.