Site icon hindi.revoi.in

MPની રાજનીતિથી શિવરાજ દૂર, ઉમા ભારતીએ વધારી સક્રિયતા

Social Share

નવી દિલ્હી : મધ્યપ્રદેશના રાજકારણથી ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણનું અંતર વધી રહ્યું છે. તો ભૂતપૂર્વ કેન્દ્રીયપ્રધાન અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન ઉમા ભારતીએ મધ્યપ્રદેશમાં સક્રિયતા વધારી છે. ઉમા ભારતી ભાજપના કાર્યકર્તાઓ સાથે મેળ-મુલાકાતથી લઈને ગંભીર મામલાઓ પર ચર્ચાઓ કરતા જોવા મળે છે.

ઉમા ભારતી ગત કેટલાક વર્ષોમાં આટલા સક્રિય ક્યારેય જોવા મળ્યા નથી કે જેટલા હાલ દેખાઈ રહ્યા છે. ગત ત્રણ દિવસોથી તેઓ ભોપાલમાં છે. તેમની નેતાઓ સાથે મેળ-મુલાકાત તો થતી જ રહે છે, તેઓ પાર્ટીના કોઈને કોઈ રીતે મુશ્કેલીમાં રહેલા નેતાઓ સાથે ઉભા રહેતા પણ જોવા મળી રહ્યા છે.

તાજેતરમાં વિધાનસભામાં ભાજપના બે ધારાસભ્યો દ્વારા કોંગ્રેસનો સાથ આપવામાં આવતા અને વિરોધ પક્ષના નેતા ગોપાલ ભાર્ગવ દ્વારા કમલનાથ સરકારને એક દિવસ નહીં ચાલવા દેવાનો દાવો કરવા મામલે પાર્ટી હાઈકમાન નારાજ થઈ ગયું હતું. એટલું જ નહીં, ભાર્ગવના મધ્યપ્રદેશ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતાના પદ પર પણ ખતરો ઝળુંબવા લાગ્યો હતો.

બીજી તરફ ઈ-ટેન્ડરિંગના મામલામાં ભૂતપૂર્વ પ્રધાન નરોત્તમ મિશ્રા પર આંચ આવવાની શક્યતા છે. આ બંને નેતાઓને ઉમા ભારતીએ સાથ આપવાનું મન બનાવી લીધું છે. આ બંને નેતાઓનું ભૂતપૂર્વ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાન સાથે અંતર પણ છે.

રાજકીય બાબતોના જાણકારોનું માનવું છે કે ઉમા ભારતી ખુલીને ભલે આવતા ન હોય, પરંતુ રાજ્યમાં ભાર્ગવ અને મિશ્રાની પાછળ ઉભા રહીને તેઓ પોતાની રાજનીતિને આગળ વધારવા ઈચ્છી રહ્યા છે. આ દેખાવા પણ લાગ્યું છે. તેઓ ભાર્ગવ સાથે ભૂતપૂર્વ રાજ્યપાલ આનંદીબહેન પટેલ અને હાલના રાજ્યપાલ લાલજી ટંડનને પણ મળ્યા. તેમની સાથે તેમણે ઈ-ટેન્ડરિંગના મામલામાં મિશ્રાની છબીને ખરાબ કરવાની કોશિશ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. લાંબા સમય બાદ આ પહેલો મોકો છે કે જ્યારે ઉમા ભારતી આવા પ્રકારથી સક્રિય છે.
ઉમા ભારતીની આગેવાનીમાં ભાજપે 2003માં મધ્યપ્રદેશમાં સત્તા પ્રાપ્ત કરી હતી. પરંતુ બાદમાં તેમણે તિરંગા પ્રકરણમાં પદ પરથી રાજીનામું આપ્યું, બાદમાં તેઓ રાજ્યની રાજનીતિમાં હાંસિયામાં ધકેલાઈ ગયા હતા. તેમણે ભારતીય જનશક્તિ પાર્ટી પણ બનાવી હતી. બાદમાં તેઓ ભાજપમાં પાછા ફર્યા હતા. યુપીની ચરખારી બેઠક પરથી ધારાસભ્ય અને ઝાંસીની બેઠક પરથી સાંસદ રહેલા ઉમા ભારતી મધ્યપ્રદેશમાં જ રાજનીતિ કરવાની ઈચ્છા ધરાવતા હોવાનું માનવામાં આવતું રહ્યું છે.

ગત ચૂંટણીમાં તેમણે પોતાને ગંગા નદી પ્રત્યે સમર્પિત કરવાની વાત કહેતા ઉમેદવારી કરી ન હતી. પોતાને રાજનીતિથી દૂર રાખવાની વાત તેઓ કરતા રહ્યા છે, પરંતુ તેમની ઈચ્છા મધ્યપ્રદેશની રાજનીતિમાં વાપસી કરી છે. ઉમા ભારતીના નિકટવર્તીનું કહેવું છે કે તે રાજ્યની રાજનીતિમાં પોતાની દખલ જાળવી રાખવા ચાહે છે. હાલની સ્થિતિ તેમને અનુકૂળ છે.

ભાજપની રાજ્યમાં હાલની પરિસ્થિતિ પર જનર દોડાવામાં આવે, તો એક વાત તો સ્પષ્ટ દેખાઈ રહી છે કે શિવરાજસિંહ ચૌહાન સિવાય એક પણ એવા નેતા નથી, જેમના નામ પર તમામ એક થઈ જાય. પાર્ટી હાઈકમાન ચૌહાનને રાજ્યની રાજનીતિથી દૂર રાખવા ચાહે છે. માટે તેમને સદસ્યતા અભિયાનના રાષ્ટ્રીય પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ સ્થિતિમાં ઉમા ભારતીને લાગે છે કે પાર્ટીમાં આવા અવકાશને ભરવામાં તેઓ સફળ થઈ શકે છે. આ કારણ છે કે તે રાજ્યની રાજનીતિમાં સક્રિય થવા લાગ્યા છે.

Exit mobile version